રૂપાલા મુદ્દે રાજપૂતોને એક થવા જામસાહેબની હાકલ:'સૌ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને એક થઈ ચૂંટણીમાં હરાવો'
- Published By : Jago News
- Updated on : 2024-04-10 10:34:17
જામનગર: રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે
કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવાદ થમવાનું નામ નથી લેતો. રાજકોટ બેઠક પર
રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધપ્રદર્શન
કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના આ નિવેદન મામલે ભાવનગર અને કચ્છના રાજવી પરિવાર
બાદ હવે જામનગરના જામસાહેબની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જામસાહેબ
શત્રુશલ્યસિંહજી દ્વારા રાજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા
અપીલ કરવામાં આવી છે. જોકે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવેલા 'જૌહર'ના સંકલ્પની ટીકા પણ કરી છે
અને કહ્યું હતું કે આ કિસ્સામાં 'જૌહર'નો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
રૂપાલાના નિવેદનને લઈ જામસાહેબે નારાજગી વ્યકત કરી
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા
દ્વારા 23 માર્ચના રોજ એક સમાજના
કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીને લઈ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરાઈ હતી.
રૂપાલાના આ નિવેદન અંગે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા એક પત્ર જાહેર
કરી નારાજગી વ્યક્ત કરી છે. રાજપૂત સમાજને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કોઈ
આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન
આપવાની હોય, પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુનો
જે કરે તેને સજા થવી જોઈએ.
જામસાહેબ દ્વારા લખવામાં આવેલો શબ્દશઃ પત્ર
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની
વિવાદાસ્પદ ઘટના
આ બારામાં હજુ સુધી કંઈ વધુપડતું નથી બન્યું એ
મારા હિસાબે સારી વાત છે,
કારણ કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને
ભયંકર સજા ન આપવાની હોય,
પરંતુ અયોગ્ય વાત બોલવાનો જે ગુનો કરે તેને સજા થવી જોઈએ.
જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે, પરંતુ જે
કાર્યનો સંકલ્પ કર્યો હતો એની હું ટીકા કરું છું, કારણ કે 'જૌહર'નો પ્રશ્ન આ
કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો જ નથી.
હાલમાં ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં
રાજપૂતો રાજ કરતા હતા,
એનું કારણ માત્ર હિંમત નહોતી, પણ સાથે સાથે એકતાનું પણ હતું. એ જમાનામાં
રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે
છે કે રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે.
તો એ સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં
ગેરવાજબી રીતે નહીં,
પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં, પણ એકતા રાખી
બતાવી દેવાનું છે કે રાજપૂતો હજી ભારતમાં જ છે, તેથી સહુ રાજપૂતો ભેગા
મળી જે કોઈ આવું કૃત્ય કરે છે, જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી
ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.
જામસાહેબ