logo

header-ad

કિશનસિંહ સોલંકીને ગેરશિસ્ત ભારે પડી:ગુજરાત ભાજપના નેતાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોટો મૂક્યો, ભાજપમાંથી સસ્પેન્ડ

  • Published By : Jago News
  • Updated on : 2022-10-03 18:57:30

અમદાવાદ: ગુજરાત ભાજપ દ્વારા પોતાના જ એક નેતાને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો હુકમ કમલમ કાર્યાલયમાંથી કરવામાં આવ્યો છે. કિશનસિંહ સોલંકીને પક્ષમાં 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

ગેરશિસ્ત કરી હોવાનો પહેલો પ્રસંગ નથી: ભાજપ
ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે વાતચીતમાં જણાવ્યું હતું કે કિશનસિંહ સોલંકીએ ગેરશિસ્ત કરી હોવાનો આ પહેલો પ્રસંગ નથી. ભૂતકાળમાં પણ તેમણે કેન્સવિલે ખાતે સંગઠનના નેતાઓ સાથે માથાકૂટ કરીને ગેરશિસ્ત કરી હતી. જે-તે સમયે તેમને પક્ષની કામગીરીથી દૂર કરાયા હતા. આજે ફરીથી જ્યારે આ ઘટના બની છે ત્યારે પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

મારા મિત્રોનો મારી રાજકીય કારકિર્દીને નુક્સાન કરવા પ્રયાસ: કિશનસિંહ સોલંકી
સસ્પેન્ડેડ ભાજપ નેતા કિશનસિંહ સોલંકીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્સવિલે ખાતે છાશથી શરૂ થયેલી માથાકૂટ આજે ફોટો પર આવીને અટકી છે. જે ફોટો મૂક્યો છે તે તો વર્ષ 2014માં પાર્લામેન્ટ ખાતે લીધેલો ફોટો છે. હું ભાજપ સાથે તન, મન અને ધનથી જોડાયેલો છું. મારા મત આપવાનો અધિકાર તો આ લોકો છીનવી નહીં શકે. મારી રાજકીય કારકિર્દીને નુક્સાન પહોંચાડવાનું કામ મારા જ મિત્રોએ કર્યું છે.

AAPમાં જોડાશે અને ચૂંટણી લડશે એવી હજુ સુધી કોઈ વાત નથી: ઈટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે આખી ઘટનામાં ભાજપના રાજકારણમાં એટલી કટ્ટરતા અનેઘૃણા આવી ગઈ છે કે અન્ય પક્ષના ચૂંટાયેલા નેતા સાથે ફોટો મૂકી શકાય નહીં? વિરોધ પક્ષ સાથે આટલી કટ્ટરતા કેમ? રાજનીતિનો સ્તર જાળવી રાખવાની વાત કરતી પાર્ટી આવું કરે એ પાર્ટીની માનસિકતા દર્શાવે છે. ભાજપના અન્ય નેતાઓ કે જેઓ રાતદિવસ કામ કરે છે તે લોકોએ હવે વિચારવાનું કે અન્ય પક્ષના નેતાઓ સાથે પોતાના સંબંધ કેવી રીતે સચવાશે? કિશનસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાશે અને વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે એવી કોઈ હજુ સુધી વાત નથી.

પ્રદેશ કારોબારી દરમિયાન ભાજપના નેતા સાથે માથાકૂટ થઈ હતી
અમદાવાદ ખાતે કેન્સવિલેમાં થોડા મહિના અગાઉ પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કિશનસિંહ સોલંકીને આમંત્રણ આપ્યું ન હોવા છતાં તેઓ હાજર રહ્યા હતા. આ જ કારણસર ભાજપ સંગઠનના જ એક નેતા સાથે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ બાદ તેમને પક્ષની કામગીરીથી દૂર રાખવામાં આવી રહ્યા હતા.

પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોટો મૂક્યા બાદ સસ્પેન્ડ
કિશનસિંહ સોલંકીએ ગત રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોટો પોસ્ટ કરીને કિશનસિંહ સોલંકીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા. ફોટો પોસ્ટ કરવાના લગભગ 10 કલાકમાં જ કમલમ દ્વારા કિશનસિંહ સોલંકીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે.

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ
છેલ્લા ઘણા સમયથી કિશનસિંહ સોલંકીની પક્ષ પ્રત્યેની ભૂમિકા શંકાસ્પદ હતી તેમજ ભાજપના નેતાઓ વિશે પણ ઠેર ઠેર અયોગ્ય ટિપ્પણી કરી રહ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ કેટલીક મુલાકાત થઈ હોવાનું પક્ષના ધ્યાનમાં આવતાં 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોણ છે કિશનસિંહ સોલંકી ?
કિશનસિંહ સોલંકી ભાજપના પૂર્વ પ્રવક્તા અને અમદાવાદ જિલ્લાના મીડિયા કન્વીનર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અમદાવાદ જિલ્લાના પૂર્વ મહામંત્રી તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપ કિસાન મોરચાના સભ્ય તરીકે ભૂમિકા નિભાવતા હતા.

 

Related News