logo

header-ad

કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત; છોલેલું શ્રીફળ વેચતા વેપારીઓ સામે લેવાશે કડક પગલાં

  • Published By : Jago News
  • Updated on : 2023-03-14 19:04:51

હાલોલ: હાલ અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનો વિવાદ હજુ શાંત નથી થયો, ત્યાં આજે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં ભક્તો પહેલાં છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જઈ માતાજીને ચઢાવતા હતા તે હવે બંધ કરવામાં આવશે. છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જો કોઈ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો તેઓને દંડ ચૂકવવો પડશે. ભક્તો માતાજીને આખું શ્રીફળ જ ધરાવી શકશે અને તે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે. સ્વચ્છતાને લઇ પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

'છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં'
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત તેમજ તાત્કાલિક અમલમાં મૂકવા માટેની સૂચના 14/3/2023ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. જ્યાં તારીખ 20/3/2023ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. મંદિરમાં આખું શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી સાથે ઘરે લઈ જવા માટે સૂચન કરવામાં આવ્યું છે. સાથે જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહિ આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. છોલેલું શ્રીફળ મંદિરમાં ભક્તો લઈને ન આવે તે માટે શક્તિદ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેકિંગ હાથ ધરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા આ પગલું મંદિરમાં સ્વચ્છતા જાળવવા માટે લેવામાં આવ્યું છે. તેવું પાવાગઢ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા સૂચનમાં જણાવામાં આવ્યું છે.

વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ
કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ ભક્તો અને વેપારીને જણાવવામાં આવ્યું છે. કે, આ નિયમ તમામ ભક્તો માટે આગામી 20 માર્ચથી લાગુ પડશે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વેપારીઓ સાથે સહમતી સાધી નિર્ણય લેવાયો છે
પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ લાવવા ઉપર મનાઈ ફરમાવવામાં આવ્યા બાબતે મંદિર ટ્રસ્ટીએ જણાવ્યું છે કે, શ્રીફળ લાલવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. ભક્તોની આસ્થા સાથે પણ કોઈ ખીલવાડ નથી. મંદિરમાં ઉપર શ્રીફળ લાવી છોલવામાં આવતા અહીં ગંદકી ઉભી થઇ રહી હોવાથી મંદિરમાં આખું શ્રીફળ લાવવા ભક્તોને જણાવવામાં આવ્યું છે. પહેલા પ્લાસ્ટિકના કચરાની ડ્રાઇવ કરવામાં આવતા વેપારીઓના સહકારથી અત્રે પ્લાસ્ટિકની ગંદકી ઓછી થઈ છે, એટલે શ્રીફળના છોતરા અને ટુકડાની ગંદકી અને કચરો હટાવવામાં ભારે સમસ્યા થાય છે. અહીં કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા નથી કે, કચરો ભરીને હટાવી લેવાય એટલે ટ્રસ્ટ દ્વારા વેપારીઓ સાથે સહમતી સાધી નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો શ્રીફળ લાવી માતાજીને પોતે ધરાવીને નીચે લઇ જઇ પહેલા જે દુધિયા તળાવ નજીક શ્રીફળ વધેરાવ માટે સ્ટેન્ડ બનાવવમાં આવ્યું હતું. તે બંધ કરીને માચી ખાતે કરવામાં આવશે અને માચીમાં ભક્ત પોતાનું શ્રીફળ મંદિરની ઓફિસે આપી દે અથવા પોતાના ઘરે લઈ જઈ વધેરીને પ્રસાદી કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

'આ નિર્ણય અયોગ્ય છે'- ભક્ત
હિન્દૂ ધર્મમાં શ્રીફળ વધેરવાની એક માનતા છે, મહાકાળી મા લોકોના દુઃખ દૂર કરે છે, લોકોને વસ્તાર આપે છે, નોકરી આપે છે, અનેક રીતે માનેલા કામો પૂરા કરે છે એટલે અહીં ભક્તો આવે અને પોતાની માનતા મુજબ શ્રીફળ વધેરે એમાં ખોટું કાંઈ નથી. અહીં ટ્રસ્ટે નિર્ણય લીધો એ યોગ્ય નથી. શ્રીફળ જ્યાં વધેરાય ત્યાં જ વધેરાય. આ નિર્ણય અયોગ્ય છે. તેવું પાવાગઢ મંદિરે દર્શન કરવા આવેલા એક ભક્તે જણાવ્યું હતું.

 

Related News