logo

header-ad

કૌભાંડના હાટકેશ્વર બ્રિજમાં કોર્પોરેશને જાણવા છતાં સમગ્ર કારસ્તાન થવા દીધું, આરટીઆઈમાં સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ થયો

  • Published By : Jago News
  • Updated on : 2024-04-02 20:18:01

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા ભ્રષ્ટાચારનો નમૂનો ગણાતા એવા હાટકેશ્વર બ્રિજમાં વિજિલન્સ વિભાગની કામગીરી સામે હવે સવાલ ઊભા થયા છે. બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન વિજિલન્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની અને ચેકિંગ કરવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી છે, જેને ધ્યાનમાં લેવામાં આવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં જે સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવતાં હોય છે એની કોપીમાં વિજિલન્સ વિભાગના કોઇપણ અધિકારીની ક્યાંય સહી પણ નહીં હોવાનું સામે આવ્યું છે. જે વિભાગ કોર્પોરેશનમાં કૌભાંડો અને જવાબદારો સામે તપાસ કરતું હોય છે તેવા વિજિલન્સ વિભાગમાં કૌભાંડ ચાલતું હોવાનું જણાય છે.

દસ્તાવેજોમાં અનેક ચોંકાવનારી બાબત સામે આવી
હાટકેશ્વર બ્રિજ મામલે RTI કરનાર અંકુર સાગર દ્વારા દસ્તાવેજોની કરેલી માગણી હેઠળ તેમને મળેલા દસ્તાવેજોમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. સામાન્ય રીતે સિમેન્ટ, કોંક્રીટનો માલ ભરાતો હોય ત્યારે અથવા ત્યાર બાદ ટેસ્ટિંગ માટેના નમૂના લેવાના હોય છે. AMCએ દર્શાવ્યું હતું કે સિમેન્ટ, કોંક્રીટનો માલ 30 જાન્યુઆરી 2016ના રોજ ભરાવ્યો હતો. જોકે એના ટેસ્ટિંગ માટેના નમૂના 27 જાન્યુઆરી 2016ના રોજ લેવાયા છે એવું દર્શાવ્યું છે, જેથી નમૂના લેવાયા કે નહીં એ જ શંકા ઊપજાવે એવું છે. વિજિલન્સ વિભાગ દ્વારા ત્રણ દિવસ પહેલાં કઇ રીતે નમૂના લેવાયા એ અંગે કોઇ શંકા ઉઠાવવામાં આવી ન હતી.

પુરાવામાં વિસંગતતા જોવા મળી
AMCની મટીરિયલ ટેસ્ટિંગ લેબમાં નિયત બાંધકામના નમૂના લઈને એને તપાસ માટે મોકલવામાં આવતા હોય છે. બાંધકામ સમયે બે નમૂના લેવામાં આવે છે, જેમાં પહેલો નમૂનો 7મા દિવસે અને બીજો નમૂનો 28મા દિવસે પાણીમાંથી કાઢીને તપાસ માટે મોકલવામાં આવે છે. જે તપાસ થતી હોય ત્યાં મેટલ ડેપો લેબ ખાતે વિજિલન્સ વિભાગે નિયમિત ચકાસણી કરવાની હોય છે. બ્રિજ જ્યારે બનતો હોય ત્યારે વિજિલન્સ વિભાગ દ્વારા એની વિઝિટ લેવાની હોય છે, પરંતુ અંકુર સાગરને RTIના મળેલા જવાબમાં વિજિલન્સ વિભાગ દ્વારા મેટલ ડેપોની મુલાકાત લીધી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જ્યારે જે બાબતના પુરાવા મળ્યા એમાં પણ વિસંગતતા જોવા મળી છે.

 

Related News