ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટના રાજવી સામે આવ્યા, ક્ષત્રિય સમાજ અને ભાજપ બેઠક કરીને લોકહિતમાં સુખદ અંત લાવે તેવી અપીલ
- Published By : Jago News
- Updated on : 2024-04-09 18:50:51
રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના
ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન મામલે હવે
રાજકોટના રાજવી રૂપાલાની તરફેણમાં આવ્યા હોય તેમ ક્ષત્રિય સમાજ તરફથી આંદોલન કરતી
સંકલન સમિતિ અને ભારતીય જનતા પક્ષના આગેવાનો વચ્ચે બેઠક કરવાની વાત કરી રહ્યા છે.
તેનાથી આ સમસ્યાનો સુખદ અંત આવે તેવું તેમનું માનવું છે. તેઓ કહે છે કે હું
ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નહીં, પરંતુ સાથે જ છું. જોકે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રહિતમાં વિચારી નિર્ણય કરશે તેવો
મને વિશ્વાસ છે. જોકે રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજના સંમેલનોમાં હાજરી આપવા
મામલે માંધાતાસિંહજીએ મૌન સેવ્યું હતું. તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા
મામલે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
તેમના નિવેદનથી મને પણ
ઘણો આઘાત લાગ્યો હતો: માંધાતાસિંહ જાડેજા
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારત દેશ જ્યારે આઝાદ
થયો ત્યારે રાજવીઓએ પોતાનું રાજ્ય ભારત દેશને આપી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો.
ભારત દેશની સ્વતંત્રતા પછી શાસકોમાં સંવેદનશીલતા ક્રમશઃ ઘટી રહી છે. રાજકોટ લોકસભા
બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીથી
ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓની લાગણી દુભાઈ છે. તેમના નિવેદનથી મને પણ ઘણો
આઘાત લાગ્યો હતો. જે બાબતે તત્કાલ માફી માગવા માટે પુરુષોત્તમ રૂપાલાને ટેલિફોનિક
વાતચીત કરી હતી. જે બાદ રૂપાલાનો વીડિયો મીડિયાના માધ્યમથી જાહેર થયો હતો. તેમાં
રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માફી માગવામાં આવી હતી. આ ઉપરાંત ગોંડલના શેમળા
ખાતે મળેલા સંમેલનમાં પણ રૂપાલાએ જાહેરમાં માફી માગી હતી.
'ભવિષ્યમાં પણ કાયદો
વ્યવસ્થાની જાળવણી સાથે રજૂઆતો થશે'
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની બહેનોને ઘરમાંથી બહાર નીકળી રસ્તા પર
આવવું પડ્યું છે. અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તેમજ આવેદનપત્ર
પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાયદો અને વ્યવસ્થાની
જાળવણી અત્યાર સુધી કરવામાં આવી જ રહી છે. ભવિષ્યમાં પણ કાયદો વ્યવસ્થાની જાળવણી
સાથે રજૂઆતો થશે તેવું મારું માનવું છે.
'ક્ષત્રિય સમાજ ડાહ્યો
સમાજ છે અને રાષ્ટ્રહિતમાં વિચારશે'
તેમણે જણાવ્યું હતું કે, હું ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નથી. ક્ષત્રિય સમાજની સાથે છું
અને એટલે જ મારી વેદના વ્યક્ત કરું છું. તેથી ક્ષત્રિય સમાજ દ્વારા સરકાર સાથે
વાદવિવાદમાં પડવાને બદલે સંવાદ થકી સમાધાન કરવું જોઈએ અને આ સમસ્યાનો ત્વરિત સુખદ
અંત આવવો જોઈએ. કોઈને ટિકિટ આપવી કે કોઈની ટિકિટ રદ કરવી તે પાર્લામેન્ટ્રી
બોર્ડનો નિર્ણય હોય છે. ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પક્ષ મળીને આ સમસ્યાનો અંત
લાવે તેવી અપીલ કરું છું. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અને ભારતીય જનતા પક્ષના
આગેવાનો મળીને બેઠક કરે તેવા પ્રયાસો રહેશે. ક્ષત્રિય સમાજ ડાહ્યો સમાજ છે અને
રાષ્ટ્રહિતમાં વિચારશે તેવી ખાતરી છે. આ સાથે તેમણે મહિલાઓને જૌહર કરવાને બદલે
જીવન જીવી લેવાની અપીલ કરી હતી.