વારંવાર ખેડૂતો શા માટે કરી રહ્યા છે આંદોલન? કારણ છે 10 મોટી માંગ, જાણો કઈ કઈ
- Published By : Jago News
- Updated on : 2024-02-12 18:27:22
ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ આંદોલનને 'ચલો દિલ્લી માર્ચ' નામ આપ્યું
જો કે ખેડૂતોએ આ આંદોલનને 'ચલો દિલ્લી માર્ચ' નામ આપ્યું છે. તેમજ તેને ખેડૂત આંદોલન 2.0 પણ કહેવામાં આવે છે. પંજાબના ખેડૂતોએ એલાન કર્યું છે કે, 10 હજાર ટ્રેક્ટર ટ્રોલીઓમાં દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થઈશું. તેના માટે શંબૂ બોર્ડર, ડબવાલી અને ખનૌરી બોર્ડર પસંદ કરવામાં આવી છે. આ ત્રણેય બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે. આ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસની સાથે પંજાબ-હરિયાણા બોર્ડર પર BSF અને RAFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ છે ખેડૂતોની માંગ
1. સૌથી પ્રાથમિક માંગ છે MPS એટલે કે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ માટે કાયદો બનાવવો
2. સ્વામીનાથન આયોગની ભલામણ લાગૂ કરવાની માંગ
3. જે ખેડૂતો આંદોલનમાં સામેલ છે તેમની કૃષિ લોન માફ કરવાની માંગ
4. લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ
5. ભારતને WTOમાંથી બહાર કાઢવાની માંગ
6. કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવાની માંગ
7. 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન આપવું
8. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં સુધારો કરવા માટે, સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી, તેમજ તમામ પાકને યોજનાનો એક ભાગ બનાવવો અને નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું
9. જમીન સંપાદન અધિનિયમ, 2013 એ જ રીતે અમલમાં મૂકવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ
10. જંતુનાશકો, બિયારણ અને ખાતર અધિનિયમમાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ
ચાર જિલ્લામાં કલમ 144 લાગુ
પંજાબના ખેડૂતોને હરિયાણા થઈને દિલ્હી જતા રોકવા માટે અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પટિયાલાથી અંબાલાના રોડનો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. સોનીપત, ઝજ્જર, પંચકુલા બાદ કૈથલમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબથી ચંદીગઢ થઈને ખેડૂતો પંચકુલાના રસ્તે પણ દિલ્હી જવા માટે હરિયાણામાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 12 ફેબ્રુઆરીએ એટલે કે આજે સાંજે 5:00 વાગ્યે સેક્ટર 26 મહાત્મા ગાંધી સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં યોજાશે. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય બેઠકમાં સામેલ થશે.