ભાજપને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ, એક્સટેન્શનને 1 વર્ષ પૂરું છતાં નથી મળ્યા પ્રદેશ પ્રમુખ
- Published By : Jago News
- Updated on : 2024-07-20 15:14:04
ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ
પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ
બદલાશે એવી અટકળો તેજ બની છે. જો કે, સી.આર. પાટીલની ટર્મ ગત
જુલાઈ 20, 2023ના રોજ પૂર્ણ થઈ હતી. ટર્મ પૂરી થયા બાદ પણ તેમને નહીં બદલીને ભાજપે સૌને
ચોંકાવ્યા છે. જો કે, આજે સી.આર. પાટીલને એકસટેન્શન મળવાને એક વર્ષ પૂર્ણ થયું છે. એટલે કે, ગુજરાતમાં પ્રદેશ
પ્રમુખ તરીકે પાટીલ 4 વર્ષ પૂરા કરશે.
ગુજરાતમાં પ્રદેશ
પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ
આ બધી અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લમેન્ટરી બોર્ડની તારીખ 25થી 30 જુલાઈ સુધી દિલ્હી ખાતે
બેઠક મળવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ
જે.પી. નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના પાર્લમેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે. આ બેઠકમાં
ભાજપની આગામી રણનીતિ અંગે ચર્ચા થશે. તેમજ અનેક મહત્ત્વના નિર્ણય આ બેઠકમાં
લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં
નિર્ણય લેવામાં આવી શકે છે.
પ્રદેશ પ્રમુખ તરીકે
સી.આર. પાટીલના ગુજરાતમાં 4 વર્ષ પૂરા
જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય લેવાય તો તેની જાહેરાત 5 ઓગસ્ટ પહેલાં થઈ શકે
છે. આમ, પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં 4 વર્ષ પૂરા કરનારા
સી.આર. પાટીલ રહેશે કે જશે? તે અંગે રાજકારણ સાથે જોડાયેલા સૌ કોઈની નજર રહેલી છે.
નવા પ્રદેશ પ્રમુખ ન
આવે ત્યાં સુધી પાટીલને યથાવત્ રાખી શકે એવી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં ગુજરાતમાં સંગઠન પર્વની પણ જાહેરાત થશે અને આ પર્વ અંદાજે બે માસ
જેટલો સમય ચાલી શકે છે. એ સમયે પણ પ્રદેશ પ્રમુખની હાજરી આવશ્યક રહેશે. એવા
સંજોગોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની થિયરી પણ ભાજપ અપનાવી શકે છે અથવા તો નવા
પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને યથાવત્ રાખી શકે એવી
ચર્ચા પણ ચાલી રહી છે.
ઓફિસમાં ISO લેનાર પાટીલ સમગ્ર દેશના પ્રથમ સાંસદ
2009માં
ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી
મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી
લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં
લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત
મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ
સાંસદ છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં જીત
મેળવી સતત ચોથી વખત સાંસદ બન્યા છે. તેઓને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા છે.