logo

header-ad

ઓખા નજીક બે જહાજ ટકરાયાં:ભારતીય અને વિદેશી જહાજ વચ્ચે જોરદાર ટક્કર, બંને જહાજના 43 ક્રૂ-મેમ્બરને બચાવી લેવાયા, લાખો લિટર ઓઇલ ઢોળાવાનું જોખમ

  • Published By : Jago News
  • Updated on : 2021-11-27 14:19:44

ઓખા નજીકના અરબી સમુદ્રમાં એક વિદેશી અને એક ભારતીય જહાજ વચ્ચે અકસ્માત થયો હતો. ભારતનું એમવી માય એટલાન્ટિક ગ્રેસ અને ફિલિપિન્સના માય એવિએટર નામના જહાજ વચ્ચે ટક્કર થતાં આપાતકાલીન મદદની જરૂર પડી હતી. એને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ સમયસર પહોંચી બંને જહાજના 43 ક્રૂ-મેમ્બરને બચાવી લીધા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માગવામાં આવી
ઓખા નજીક અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જોકે કયા કારણસર આ બન્ને જહાજ વચ્ચે અકસ્માત થયો એ જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે બન્ને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માગવામાં આવી હતી, જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ભારતના 21 અને ફિલિપિન્સના 22 ક્રૂ-મેમ્બરનો બચાવ
ટીમે જહાજમાંથી 43 ક્રૂ-મેમ્બરને સુરક્ષિત બચાવી લીધા હતા. એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં 21 ભારતીય ક્રૂ-મેમ્બર હતા, જ્યારે ફિલિપિન્સના માય એવિએટર જહાજમાં 22 ફિલિપિન્સના ક્રૂ-મેમ્બર સવાર હતા.

સદનસીબે જાનહાનિ ટળી, પણ શિપમાં નુકસાન
આ અકસ્માત થતાં બંને શિપમાંથી ઓઈલ રસાવ સમુદ્રમાં ન ભળે અને જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેના પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદનસીબે 43 ક્રૂ-મેમ્બરનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી, જોકે બંને શિપમાં નુકસાન થયું છે.

 

Related News