logo

header-ad

આ બિઝનેસમેન કરશે ગુજરાતનું બ્રાન્ડિંગ:દુબઇમાં CMનો વાઇબ્રન્ટ રોડ શો, રોકાણકારોને આકર્ષવા 30 ઉદ્યોગપતિનો કાફલો પણ પહોંચ્યો

  • Published By : Jago News
  • Updated on : 2021-12-08 10:37:57

ગાંધીનગર: કોરાનાનાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ જમ્બો ડેલિગેશન યુએઇમાં દુબઇ,રાસ અલ ખેમાહ અને અબુધાબીમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો કરવા જઇ રહ્યું છે. મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વિદેશ યાત્રાએ જઈ રહેલા ભુપેન્દ્ર પટેલ સાથે મંત્રી જગદિશ પંચાલ અને અધિકારીઓ જઇ રહ્યા છે. તેમની સાથે 30 જેટલા ઉદ્યોગપતિઓ જઇ રહ્યા છે. અદાણી જૂથ, સેવી જૂથ,કીરી ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પન, મેધમણી જૂથના વડા, સીઆઇઆઇ અને એસોચેમ ,ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત બિઝનેસ સંસ્થાઓના પ્રમુખ-પ્રતિનિધિઓ સીએમના ડેલીગેશનના સભ્યો તરીકે વહેલી સવારે દુબઇ પહોંચી ગયા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠકને એક દિવસ વહેલી બોલાવીને તારીખ 8 અને 9મી નવેમ્બર એમ બે દિવસ માટે દુબઇમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે રોકાણકારોને આકર્ષવા રોડ શો યોજી રહ્યા છે. હાલમાં દુબઇમાં ઇન્ડિયા પેવેલિયન બનાવાયું છે અને એમાં ભારતમાં રોકાણ માટે વિવિધ રાજ્યો પણ પોતાના ખાસ સ્ટોલ રાખ્યા છે.

આ અગાઉ દુબઇ એકસ્પોમાં ભારતીય પેવેલીયનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી સંબોધન પણ કર્યુ હતું. આ વખતે ગુજરાત સરકારે કરેલા આયોજનમાં તારીખ આઠમી અને નવમી ડિસેમ્બરના રોજ રાજ્યનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુબઇમાં હાજર રહેશે. મુખ્યપ્રધાન સાથેની ટીમમાં રાજ્યનાં ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ એડિશનલ ચીફ સેકેટરી રાજીવ ગુપ્તા પણ હાજર રહેશે.

ક્વોરન્ટીન થવાનું ટાળતા બે ફોરેન રોડ શો ઓનલાઈન યોજવા પડ્યા
જાન્યુઆરી 2022માં યોજાનારી સમિટ માટે અગાઉ જેટલા દેશોમાં રોડ શો યોજવામાં આવતાં હતાં, તેના કરતાં અડધા દેશોમાં ગુજરાતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના રોડ શો થયાં છે. અગાઉ સાતથી આઠ ટીમો તમામ ખુણાઓમાં ગુજરાતમાં ઓદ્યોગિક રોકાણ અંગે રોડ શો કરવા જતી હતી. આ વખતે તે ઘટીને માત્ર ત્રણ ટીમ જ થઇ ગઇ હતી. તેમાં પણ હવે વાઇબ્રન્ટ સમિટના આયોજનને ગણતરીના મહિના જ બાકી છે, તેવા સંજોગોમાં શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રટરી અંજુ શર્મા દ્વારા જાપાન અને કોરિયાના રોડ શોમાં અધિકારીને ત્યાં ગયા બાદ અઠવાડિયા જેટલો સમય ક્વોરન્ટીન થવું પડે તેમ હોઇ તે રોડ શો ઓનલાઇન યોજવામાં આવ્યા હતા.

ઉદ્યોગપતિઓ સાથે બે દિવસનો રોડ શો
અમેરિકાના રોડ શોમાં પ્રિન્સિપલ સેક્રેટરી જેપી ગુપ્તાએ ગુજરાતના બ્રાન્ડિંગની કમાન સંભાળી હતી, જ્યારે સોનલ મિશ્રાએ અગાઉ બિઝનેસમેન અને ઉદ્યોગ જૂથ સાથે બેઠકો કરવા આઠથી દસ દિવસના પ્રવાસના સ્થાને હવે માત્ર પાંચ થી છ દિવસના રોડ શો યોજાયા હતા. તેમાં હવે ઉદ્યોગપતિઓ સાથે બે દિવસનો રોડ શો દુબઇમાં યોજાઇ રહ્યો છે.

છ શહેરોમાં નેશનલ રોડ શો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટનગર નવી દિલ્હી અને મુંબઇમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રોકાણકારોને આકર્ષવા રોડ શો યોજ્યો હતો. તારીખ 7મીએ રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાધાણીએ બેંગલુરુમાં રોડ શો થકી રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા જણાવ્યું હતું. આગામી દિવસોમાં વધુ ત્રણ શહેરમાં નેશનલ રોડ શો યોજાશે, તે શહેરોમાં હેદ્રાબાદ,કોલકોતા અને લખનૌનો સમાવશે થાય છે. આ બાકી રહેલા ડોમેસ્ટીક રોડ શો મુખ્યપ્રધાનની દુબઇની બે દિવસની મુલાકાત બાદ તબક્કાવાર યોજાશે.

રાજ્યો અને દેશો માટે સમિટ એક પ્લેટફોર્મ
વાઇબ્રન્ટ સમિટમાં જે તે દેશ પણ પોતાના દેશમાં રોકાણ આકર્ષવા સમિટમાં બેઠકો યોજી શકશે. તેમાં અગાઉ નાના સ્તરે આ પ્રયોગ થયો હતો. જો કે આવખતે કોરોનાના નવા વેરીયન્ટનો ખતરો ઘટશે તો વિવિધ દેશો પણ ગુજરાતના મહાત્મા મંદિર ખાતેથી તેમના દેશમાં ભારતાના રોકાણકારોને નવા રોકાણે કે જોઇન્ટ વેન્ચર માટે આકર્ષિત કરી શકશે. તે જ રીતે રાજ્યોને પણ વાઇબ્રન્ટ સમિટની સીથે તેમના રાજયમાં રોકાણ વધે તે માટે વિવિધ બીટુબી અને બીટુજી બેઠકો યોજી શકશે.

આ વખતે આયોજનમાં CII અને ASSOCHAM
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા રોકાણ આકર્ષવા યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં આ વખતે આયોજનના પાયામાં નેશનલ પાર્ટનર તરીકે સંકળાયેલી બિઝનેસ સંસ્થાઓમાં મોટો ફેરફાર થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ-સીઆઇઆઇ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ-ફિક્કી અગાઉની તમામ વાઇબ્રન્ટમાં સંકળાયેલા હતા, તેમાંથી આ વખતે ફિક્કીને બહાર કરી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં ફિક્કીના સ્થાને આયોજનમાં પ્રમાણમાં નવી બિઝનેસ સંસ્થા એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ-એસોચેમને જોડવામાં આવી છે. આ વખતે જાન્યુઆરી 2022માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સીઆઇઆઇ અને એસોચેમ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે કામગીરી શરુ પણ કરી દીધી છે.

વાઈબ્રન્ટ સમિટ 2022માં વિદેશી ઓર્ગેનાઇઝેશન પાર્ટનર
USIBC યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ

UIBC યુએઇ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ

USISPF-યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ

JETRO જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન

ICBC ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર

ICCC ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ

AMCHAM અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડિયા

 

 

Related News