logo

header-ad

રોહિત પાસેથી MIની કેપ્ટનશિપ છીનવવાનો મામલો ફરી ગરમાયો, રીતિકા પતિના બચાવમાં આવી

  • Published By : Jago News
  • Updated on : 2024-02-06 18:03:27

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ છીનવીને હાર્દિક પંડ્યાને સોંપી હતી. આ નિર્ણય સામે ઘણાં દિગ્ગજોએ વાંધો ઉઠાવ્યો હતો જ્યારે કેટલાકે આ નિર્ણયને આવકાર્યો હતો. હવે ટીમના હેડ કોચ માર્ક બાઉચરે એક નિવેદન આપતા આ મામલો ફરી ગરમાયો છે. રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહે બાઉચરના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતી એક પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રોહિત શર્માની પત્નીએ નારાજગી વ્યક્ત કરી

માર્ક બાઉચરે મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણય યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, ‘રોહિત શર્માને કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત કરવા અને તેને વધુ સ્વતંત્રતા આપવા માટે આ નિર્ણય લેવાયો છે.’ જો કે રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રીતિકાનો દાવો છે કે બાઉચરના નિવેદનમાં ઘણી બધી બાબતો ખોટી છે. તેના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. તેના પર ચાહકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બાઉચરે રોહિતની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ

માર્ક બાઉચરે કહ્યું કે, ‘આ નિર્ણય વધુ સારા ક્રિકેટ માટે લેવામાં આવ્યો છે કારણ કે ટીમમાં પરિવર્તન થઈ રહ્યા છે. ભારતમાં લોકો ક્રિકેટને લઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે. મને લાગે છે કે આ માત્ર ક્રિકેટ સંબંધિત નિર્ણય છે. આ એક ખેલાડી અને બેટ્સમેન તરીકે રોહિત શર્મામાં સર્વશ્રેષ્ઠ દેખાવ લાવશે.’ જો કે બાઉચરે રોહિતની બેટિંગ પર પ્રશ્નો પણ ઊભા કર્યા હતા. બાઉચર કહી ચૂક્યો છે કે, ‘રોહિત શર્મા ખૂબ જ વ્યસ્ત રહ્યો છે અને છેલ્લી કેટલીક સિઝનમાં રોહિતનું પ્રદર્શન કદાચ શ્રેષ્ઠ નથી રહ્યું, પરંતુ તેણે કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે.’

Related News