logo

header-ad

દીકરીએ જ માતાની હત્યા કરી:પ્રેમમાં અંધ દીકરીએ ઘરના CCTV બંધ કરીને ટ્રકના પાનાથી માથામાં સત્તર ઘા માર્યા, હત્યા કર્યા બાદ મગરનાં આંસુ સારતી રહી

  • Published By : Jago News
  • Updated on : 2023-05-30 18:53:28

જૂનાગઢ: ગત શનિવારે મોડી રાતના જૂનાગઢ તાલુકાના ઈવનગરમાંથી એક મહિલાની લાશ મળી હોવાની માહિતી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને મળી હતી. ઇવનગરમાં રહેતી દક્ષાબેન ગોવિંદભાઈ બામણિયા નામની મહિલાની લોહીમાં લથપથ હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી હતી. પ્રાથમિક દૃષ્ટિએ કોઈ અજાણ્યા શખસે બોથડ પદાર્થ મારી મહિલાની હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે આ ઘટનામાં હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહિલાની હત્યા બીજા કોઈએ નહીં, પણ પ્રેમમાં અંધ બનેલી પોતાની જ દીકરીએ કરી છે. પોલીસે હત્યારી દીકરીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


ગત રવિવારે વહેલી સવારે લાશ મળી હતી
ઘટનાની શરૂઆતથી વાત કરીએ તો મૂળ ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની અને છેલ્લાં સાત વર્ષથી જૂનાગઢ તાલુકાના ઈવનગરમાં રહેતાં દક્ષાબેન ગોવિંદભાઈ બામણિયા (ઉં વ.35) પોતાના પતિ અને સંતાનો સાથે રહે છે. ગત રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળ્યો હતો. ટ્રકના વ્હીલ પાનાથી માથાના ભાગે 17થી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


હત્યાનો ભેદ ઉકેલવા પોલીસને લોઢાના ચણા ચાવવાના હતા
દક્ષાબેનના પતિ ગોવિંદભાઈ બામણિયા પાલનપુર કામકાજ કરે છે, જેથી પાલનપુર અવરજવર રહેતી હોય છે. હત્યાનો બનાવ બન્યો ત્યારે ગોવિંદભાઇના સાઢુભાઇએ તેમને જાણ કરતાં ગોવિંદભાઇ પાલનપુરથી પરત આવી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે ગોવિંદભાઇએ પોતાની કોઇની સાથે દુશ્મની ન હોવાની ફરિયાદ લખાવી હતી. જેથી પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવા લોઢાના ચણા ચાવવાના હતા.


પોલીસે મીનાક્ષી પર શંકા ગઇ
કહે છે કે આરોપીથી પોલીસ એક ડગલું આગળ હોય એમ પોલીસે સૌપ્રથમ પરિવારની જ પૂછપરછ કરી, પરંતું કંઈ ક્લૂ મળ્યો નહીં. હત્યા થયા બાદ ઘરમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા અંતે પોલીસે તપાસની દિશા બદલી અને પરિવારજનો પર નજર સ્થિત કરી હતી. તપાસ કરતાં દક્ષાબેન બામણિયાની પુત્રી મીનાક્ષી પર પોલીસને વધુ શંકા જવા લાગી, જેથી પોલીસે મીનાક્ષી પર વધુ વોચ ગોઠવી દીધી હતી.


પ્રેમી સાથે માતા જોઈ જતાં હત્યાને અંજામ આપ્યો
જૂનાગઢ પોલીસે ઊંડાણપૂર્વક પોલીસે મીનાક્ષીને બોલાવીને આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાગી પડી હતી અને હત્યાની કબૂલાત કરી લીધી હતી. મીનાક્ષીએ ગુનો કબૂલતાં પોલીસને જણાવ્યું કે તેને પોતાના જ ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમસંબંધ હતો અને આ યુવાન તેને મળવા રાત્રે આવ્યો હતો. અગાઉ પણ આ યુવાન સાથે મીનાક્ષીને તેની માતાએ પકડી લીધી હતી અને તેને ઠપકો આપ્યો હતો. જ્યારે શુક્રવાર રાત્રે મીનાક્ષીનો પ્રેમી તેને મળવા આવવાનો હતો અને માતા દક્ષાબેનને એની જાણ થઈ હતી. જેથી મીનાક્ષીને ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ મોડી રાત્રે મીનાક્ષીએ પોતાના ઘરના સીસીટીવી બંધ કરીને માતાને 17 જેટલા પાનાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. હાલ તો પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને મળવા આવેલો પ્રેમી આ હત્યામાં સામેલ છે કે કેમ એ અંગે તપાસ ચાલી રહી છે.

Related News