કોરોના વાયરસથી મોત અંગે સૌથી મોટો દાવો, ભારતમાં 12 લાખ લોકોનાં મોત
- Published By : Jago News
- Updated on : 2024-07-20 18:21:03
નવી દિલ્લી: કોરોના મહામારીના પ્રથમ
તબક્કામાં ભારતમાં લગભગ 1.48 લાખ લોકોનાં મોત થયાં છે, પરંતુ હવે નવા અહેવાલોએ સરકારના આ આંકડા ખોટા સાબિત કર્યા
છે. અલ જઝીરાએ વિશ્વભરના 10 મોટા ડેમોગ્રાફર્સ અને અર્થશાસ્ત્રીઓના રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે 2020માં ભારતમાં કોરોનાને
કારણે 8 ગણા વધુ લોકોનાં મોત થયાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના પહેલા તબક્કામાં
ભારતમાં લગભગ 12 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાયન્સ એડવાન્સ પબ્લિકેશન્સે આ અહેવાલ 19 જુલાઈના રોજ પ્રકાશિત
કર્યો હતો, જે ભારત સરકારના 2019-21ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના આધારે તૈયાર કરવામાં
આવ્યો છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડા WHOના આંકડા કરતા દોઢ ગણા
વધારે છે. સંશોધન મુજબ, 2020માં ઉચ્ચ જાતિના હિંદુઓની સરેરાશ આયુષ્યમાં 1.3 વર્ષનો ઘટાડો થયો છે. એ જ સમયે અનુસૂચિત
જાતિના લોકોના સરેરાશ જીવન દરમાં 2.7 વર્ષનો ઘટાડો થયો છે. આ
સિવાય ભારતના મુસ્લિમ નાગરિકોના જીવન દરમાં અગાઉની સરખામણીમાં 5.4 વર્ષનો ઘટાડો થયો છે.
પુરુષો કરતાં સ્ત્રીઓને
વધુ અસર કરે છે
પુરુષો કરતાં મહિલાઓમાં કોરોનાની અસર વધુ જોવા મળી હતી. રિપોર્ટમાં કહેવામાં
આવ્યું છે કે એક તરફ પુરુષોના સરેરાશ જીવન દરમાં 2.1 વર્ષનો ઘટાડો થયો છે, જ્યારે મહિલાઓમાં 3 વર્ષનો ઘટાડો નોંધવામાં
આવ્યો છે. જ્યારે સમગ્ર વિશ્વના આંકડાઓ પર નજર કરીએ તો પુરુષોના જીવન દરમાં મહિલાઓ
કરતાં વધુ ઘટાડો થયો છે.
સરકારી આંકડાઓ અનુસાર, 2020માં કોરોનાના પ્રથમ
તબક્કા અને 2021માં ડેલ્ટા વેવ સાથેના બીજા તબક્કા બાદ દેશમાં રોગચાળાને કારણે 4.81 લાખ લોકોનાં મોત થયાં
છે. ડબ્લ્યુએચઓએ પોતાના રિપોર્ટમાં આ આંકડાઓને ખોટા ગણાવ્યા છે અને દાવો કર્યો છે
કે વાસ્તવમાં ભારતમાં 20-65 લાખ લોકોનાં મોત થયા છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.
સરકારે WHOના ડેટાને નકારી કાઢ્યો
મોદી સરકારે આ આંકડાઓને ફગાવી દીધા હતા. સરકારે કહ્યું હતું કે ડેટા મેળવવાનું
યુએન મોડલ ખોટું છે અને એને ભારતમાં યોગ્ય રીતે લાગુ કરી શકાય નહીં, પરંતુ ખાસ વાત એ છે કે
આ આંકડા માત્ર WHOના નથી. ઘણા જાહેર આરોગ્ય નિષ્ણાતો અને સંશોધકોએ પણ સતત ભારત સરકારના ડેટાને ખોટો
ગણાવ્યો છે.
સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રિસોર્સિસના ડાયરેક્ટર પ્રભાત ઝાએ પણ WHOના આંકડાઓને યોગ્ય ઠેરવ્યા હતા. તેમણે કહ્યું, "અમને મળેલા ડેટા મુજબ ભારતમાં કોવિડ-19ને કારણે લગભગ 40 લાખ લોકોનાં મોત થયાં હતાં. એમાંથી 30 લાખ લોકો ડેલ્ટા વેવને કારણે મૃત્યુ પામ્યાં હતાં." નવા રિપોર્ટ પર ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે આ પછી સરકારી આંકડાઓ પર અનેક સવાલો ઊઠી રહ્યા છે.