logo

header-ad

અમેરિકન સાંસદે મહિલાને ઘરમાં કોફી પીવા બોલાવીને અચાનક કિસ કરી લીધી

  • Published By : Jago News
  • Updated on : 2021-10-30 15:38:35

અમેરિકાના પૂર્વ વિદેશી મંત્રી હિલેરી ક્લિન્ટનના વિશ્વાસુ સહાયક તરીકે કામ કરનારી મહિલા અધિકારી હુમા આબદીને એક અમેરિકન સાંસદ ઉપર આરોપ લગાવ્યો હતો કે સાંસદે તેને ઘરે કોફી પીવા બોલાવ્યા પછી અચાનક કિસ કરી લીધી હતી. જોકે, હુમાએ સાંસદનું નામ જાહેર કર્યું ન હતું.


હિલેરી ક્લિન્ટનની ખૂબ જ વિશ્વાસુ સહાયક ગણાતી હુમા આબદીને તેના પુસ્તકમાં દાવો કર્યો છે કે એક અમેરિકન સાંસદે તેના ઘરે કોફી પીવા માટે બોલાવી હતી અને પછી અચાનક કિસ કરી લીધી હતી. અચાનક સાંસદના આવા વર્તનથી તે હેબતાઈ ગઈ હતી. જોકે, સાંસદે એ પછી તુરંત માફી માગી હતી. અનેક વખત માફી માગ્યા પછી એ ઘરે જતી રહી હતી.


હુમાના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિનર પછી એ સાંસદની સાથે બહાર નીકળી હતી. સાંસદે તેના ઘરની સામે પહોંચ્યા ત્યારે તેણે હુમાને ઘરમાં કોફી પીવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. એ પછી આ ઘટના બની હતી.


હુમાએ કહ્યું હતું કે એ ઘટના વખતે તેને એવી લાગણી થઈ આવી હતી કે જાણે તેની સાથે ગેરવર્તન થયું છે. કેટલાય દિવસ સુધી તેને આ જ વિચાર આવતો હતો, પરંતુ સાંસદે માફી માગ્યા પછી ફરીથી એ બંનેના સંબંધો પૂર્વવત્ થવા લાગ્યા હતા. હુમાએ સાંસદનું નામ આપવાનું ટાળ્યું હતું.


હુમા આબદીન અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની ખૂબ જ  વિશ્વાસુ સહાયક ગણાતી હતી. ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટને પ્રમુખપદની ચૂંટણી લડી હતી ત્યારે હુમા આબદીન તેની ચૂંટણી કેમ્પેઈન ટીમની ઉપપ્રમુખ હતી. એ પહેલાં હિલેરી ક્લિન્ટન જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી હતા ત્યારે પણ એ હિલેરીની ટીમમાં હતી. એ અરસામાં અમેરિકન મીડિયા તો હુમાને હિલેરીની બીજી દીકરી ગણાવતા હતા એટલી એ પૂર્વ વિદેશ મંત્રીની નજીકની સાથીદાર ગણાતી હતી.

Related News