logo

header-ad

સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણ્યું:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાયું, 72 પિલરમાં એકસાથે બ્લાસ્ટ કરાયા, 30થી 40 લાખનો ખર્ચ થયો

  • Published By : Jago News
  • Updated on : 2023-03-21 19:31:44

સુરત: સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કૂલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યો છે. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કૂલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. ગણતરીની સેકન્ડમાં જ એકસાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતા. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત ઉપર એકઠા થઈ ગયા હતા.

ટાવર સીધો જ કઈ રીતે અને કેમ પાડ્યો?
ટાવરને ધ્વસ્ત કરવા પાછળ સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર રાજસ્થાનના ડિમોલિશન એક્સપર્ટ આવેલ આનંદ શર્મા ટાવર નીચે પાડવા પાછળ મહત્વની વાત જણાવી હતી કે ટાવરને અમારે સીધું નીચે પાડવાનું હતું. કારણ કે ટાવરની 10થી 15 મીટરના અંતરમાં ઘણા ઉપયોગી બાંધકામ કરવામાં આવ્યા છે. જેને નુકસાન ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવાનું હતું. જેને લઇ ટાવરને સીધો જ નીચે પાડવો પડે તેમ હતો. ત્યારે સીધો નીચે પાડવા માટે પહેલા અમે કોંક્રિટની સ્ટ્રેન્થ કેટલી છે? ઊંચાઈ કેટલી છે? વજન કેટલું છે? આ તમામ ધ્યાનમાં રાખીને પછી ટાવરમાં હોલ પાડવા માટેની જગ્યા તેમની વચ્ચેનો ડાયરેક્શન, તમામ વચ્ચેનું અંતર આ બધું અમારે જીણવટભરી તપાસ કરી ચોક્સાઈપૂર્વક કરવું પડ્યું હતું. ત્યારબાદ તેમાં ડિટોનેટર સેટ કરાયા હતા અને તમામનો ટાઈમિંગ ખૂબ જ ચોક્સાઈપૂર્વક સેટ કરવામાં આવ્યો હતો. જેને લઇ બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સ્ટ્રક્ચર ધીમે ધીમે સીકવન્સમાં એક સરખું સીધું નીચે પાડ્યું હતું અને સાથે વાઇબ્રેશન પણ ખૂબ જ ઓછું થયું હતું અને સફળતાપૂર્વક ડિમોલિશન થઈ ગયું હતું.

 

ટાવરના ડિમોલિશન પાછળ 30થી 40 લાખનો ખર્ચ થયો
આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે આજે દેશમાં એક્સપ્લોઝિવના મદદથી મોટા સ્ટ્રક્ચરો ડિમોલેશન કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનતી થઈ ગઈ છે. અને સસ્તી પણ થઈ છે. ઉત્રાણ પાવર સ્ટેશનનો કુલિંગ ટાવર તોડી પાડવા માટે અમે નોન ઈલેક્ટ્રીક એક્સપ્લોઝિવ મટિરીયલનો ઉપયોગ કર્યો હતો. જેને લઇ આ ટાવર પાછળ 30થી 40નો ખર્ચ થયો છે.

એક્સપ્લોઝિવ કંટ્રોલ બ્લાસ્ટ સિસ્ટમ શું છે?
આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે એના ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય, એ પ્રકારની ટેક્નોલોજી હોય છે, જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.

કૂલિંગ ટાવરનો 30 વર્ષનો સમય પૂર્ણ થતાં એને ધ્વસ્ત કરાયો
સરકારી પાવર સ્ટેશનોની અંદર જે ટાવરો હોય છે એના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. એના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ એને ડિમોલિશન કરવાનો હોય છે. સુરત ઉત્રાણ કૂલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. એને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કૂલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. એને આજે સવારે 11 વાગ્યા આસપાસ ડિમોલિશન કરવામાં આવ્યો હતો.

ડિમોલિશન માટે 220 કિલો જેટલા એક્સપ્લોઝિવનો ઉપયોગ
કૂલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર છે અને એનાં 72 જેટલા પિલર આવ્યાં હતાં. પિલરમાં હોલ કરવામાં આવ્યા અને એમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યા હતા અને એ હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યા હતા.

બોર્ડની એક્ઝામને લઈ સમય ફેરફાર કરાયો
કૂલિંગ ટાવર સેફ્ટી ઇન્ચાર્જ એલ. આર. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટાવરને પત્તાંની જેમ નીચે ઉતારવા માટે છેલ્લા 15 દિવસથી અંતિમ ઘડીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. જેને લઇ રોજે રોજ આસપાસના લોકોને સાવચેત કરાયા હતા. સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે પાવર હાઉસની બાજુમાં જ ગજેરા સ્કૂલ આવેલી છે. હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તેમાં વિદ્યાર્થીઓને બારમા ધોરણની પરીક્ષા હોવાથી ટાવરના સમયમાં ફેરફાર કરવાનો જણાવ્યું હતું. પહેલાં કૂલિંગ ટાવરને બપોરના ત્રણ કલાકે નીચે ઉતારવાનું નક્કી કરાયું હતું. પરંતુ શાળાના આચાર્ય અને ટ્રસ્ટીની રજૂઆત કરવામાં આવી હતી કે, આ સમયે ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થી પરીક્ષા આપતા હોવાથી ડસ્ટ ઊડવાની લઈ તેમને તકલીફ પડી શકે છે. જેથી તેમની વાતને ધ્યાન રાખી સમયમાં ફેરફાર કરાયો હતો. બપોરે 03:00 વાગ્યે ઉતારવાને બદલે ફેરફાર કરી 11 વાગ્યે ટાવરને ઉતારવાનું નક્કી કરાયું હતું.

 

ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઉત્રાણ પાવર સબ સ્ટેશનની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કૂલિંગ ટાવરની આજુબાજુ પોલીસ જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. સબ સ્ટેશનથી ઓછામાં ઓછા 200 મીટરના અંતર સુધી કોઈ પ્રવેશે નહિ એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. થોડા સમય માટે નજીકથી વાહનોને પણ પસાર થવા દેવામાં આવ્યાં નહીં. પોલીસની પીસીઆર વાન પણ સતત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી રહી હતી.

શું તકેદારી લેવામાં આવી?
કૂલિંગ ટાવર સિમેન્ટ કોંક્રીટના મટિરિયલથી બન્યો હોવાથી બ્લાસ્ટ થતાંની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ધડાકાભેર અવાજ આવશે તેમજ ધૂળની ડમરીઓ સર્જાઈ હતી. સિમેન્ટ કોંક્રીટની ધૂળની ડમરીઓ હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ ફેલાશે અને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા તો આંખમાં પણ સિમેન્ટ કોંક્રીટના રજકણો જાય તો નુકસાન થઈ શકે એમ હોવાથી અગાઉથી સર્વે કરાયો હતો. લોકોએ આ સમય દરમિયાન અવાજ આવે તો એનાથી કોઈપણ પ્રકારે ભયભીત ન થવા માટે કહેવામાં આવ્યું હતુ. પોતાના પ્લાન્ટના કર્મચારીઓ પણ કૂલિંગ ટાવર નજીક ન જાય એના માટે બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં હતાં. ડિમોલિશન દરમિયાન પોલીસ સ્ટાફને પણ ગોઠવવામાં આવ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ફાયર સેફ્ટી માટેનું પણ પહેલાંથી જ આયોજન કરી દેવાયું હતું.

ડિમોલિશન માટે અગાઉથી તૈયારી કરાઈ હતી
ઉત્રાણ પાવર સ્ટેશનના ઇન્ચાર્જ આર. આર. પટેલ જણાવ્યું હતું કે કૂલિંગ ટાવરને ઉતારી લેવા માટેની પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. સંબંધિત તમામ વિભાગને લેખિતમાં જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે વિગતવાર માહિતી આપી દેવામાં આવી હતી. અમારા તમામ કર્મચારીઓને પણ વિશેષ સૂચના આપી દેવામાં આવી હતી. આસપાસના રસ્તાઓ બંધ રહે એ માટે પણ અમે ખાસ કાળજી રાખી હતી.

ગુજરાતમાં કૂલિંગ ટાવર ધ્વસ્ત કરવાની આ બીજી ઘટના
કૈલાસ મેટલ કોર્પોરેશન કંપનીના સાઈડ ઇન્ચાર્જ પદમગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે કૂલિંગ ટાવરના જે 72 જેટલા પિલરો છે, એ પિલરોની અંદર એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અમને આ એક્સપ્લોઝિવ પૂરા પાડવામાં આવ્યા હતા. પ્રવાહી પદાર્થમાં આ એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવે છે અને ત્યાર બાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. માત્ર 5 સેકન્ડમાં જ આ વિશાળ કૂલિંગ ટાવરને ધ્વસ્ત કરી દેવાયો છે. ગુજરાતમાં અગાઉ ગાંધીનગર ખાતે કૂલિંગ ટાવરને ધ્વસ્ત આવ્યો હતાો. ત્યાર બાદ આ બીજી ઘટના છે જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કૂલિંગ ટાવર ઉતારવામાં આવ્યો છે.

કૂલિંગ ટાવર અમારા વિસ્તારની ઓળખ હતી-સ્થાનિક
સ્થાનિક રહીશ અનિલભાઈએ જણાવ્યું કે, અમારું આ બિલ્ડિંગ બન્યું તે પહેલાંથી આ કૂલિંગ ટાવર હતું. અમે જ્યારે પણ કોઈકને અમારું લેન્ડમાર્ક કહેતા ત્યારે આ ટાવરનો જ ઉલ્લેખ કરતા હતા. અમારા વિસ્તારમાં આવનાર અને અમારા ઘર સુધી પહોંચવા માટેનો જે સરનામું હતું. તેમાં અમે કૂલિંગ ટાવરનો ઉલ્લેખ હજુ કરતા હતા. આજે જાણે એવું લાગે છે કે, અમને અમારા સરનામાની એક મહત્ત્વનું લેન્ડમાર્ક ગુમાવી દીધું છે.

આ ક્ષણ હંમેશાં માટે યાદદારી બની રહેશે
સ્થાનિક સમીર બોઘરાએ જણાવ્યું કે, કૂલિંગ ટાવરને તોડી પાડવા માટે જે એજન્સી હતી. તે સતત અમારા સંપર્કમાં હતી. અન્ય ઘણી બધી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આજે આ દૃશ્યો જોવા માટે અમે બધા જ પરિવારના સભ્યો પર આવી ગયા હતા. આ દૃશ્યો અમને એટલા માટે યાદગીરી રહેશે કે, આવું કોઈક ટાવર ધરાશાયી થતું હોય તેનાં લાઈવ દૃશ્યો જોવા મળ્યાં છે. પરંતુ સાથે સાથે દુઃખ એ વાતનું પણ છે કે, અમે જે ટાવરને હંમેશાં જોતા હતા. તે હવે અમારી નજર સમક્ષ રહેશે નહીં.

 

Related News