સ્પેને ચોથી વખત યુરો કપ ચેમ્પિયન બની સર્જ્યો રેકોર્ડ, ફાઈનલમાં સતત બીજી વખત ઈંગ્લેન્ડ હાર્યું
- Published By : Jago News
- Updated on : 2024-07-15 12:28:01
સ્પેને
શાનદાર પ્રદર્શન કરીને યુરો કપ 2024 જીતી
લીધો છે. ગઈકાલે બર્લિનમાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને 2-1થી
હરાવ્યું હતું. સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરો કપ જીત્યો છે. ઈંગ્લેન્ડને ફરીથી
નિરાશાનો સામનો કરવો પડ્યો. આ પહેલા સ્પેને 1964, 2008 અને 2012માં યુરોપિયન
ચેમ્પિયનશિપ જીતી હતી. સ્પેન યુરો કપની સૌથી સફળ ટીમ છે. જ્યારે જર્મની ત્રણ ટાઇટલ
સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો તે સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી
હતી. અગાઉ 2020
સીઝનમાં, તે ટાઇટલ મેચમાં ઇટાલી
સામે હાર્યું હતું. આ ચેમ્પિયનશિપના 66 વર્ષના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ એક
વખત પણ ચેમ્પિયન બની શક્યું નથી.
સ્પેનની ટીમ મેચમાં હાવી રહી
ફાઈનલ
મેચ દરમિયાન પ્રથમ હાફમાં બંને ટીમ વતી કોઈ ગોલ કરાયો નહોતો. જોકે આ દરમિયાન જ
સ્પેનિશ ટીમ પાસે 66
ટકા
બોલ પઝેશન રહ્યું. બીજી બાજુ ઈંગ્લેન્ડના ફિલ ફોડેન પાસે પહેલા હાફમાં વધારાના
સમયમાં ગોલ કરવાની સુવર્ણ તક હતી પણ સ્પેનના ગોલકીપર યૂ.સિમોને શાનદાર બચાવ કર્યો
હતો.
બીજા હાફમાં આ ખેલાડીઓએ ગોલ કર્યા
બીજા
હાફમાં ભારે રોમાંચ જોવા મળ્યો. મેચની 47મી મિનિટમાં નિકોલસ વિલિયમ્સે લેમિન યામના સરસ ક્રોસ
પર ગોલ કરીને સ્પેનને 1-0ની લીડ અપાવી હતી. રમતની
73મી મિનિટમાં
સબ્સ્ટીટ્યૂટ ખેલાડી કોલ પામરે જૂડ બેલિંગહમના ક્રોસ પર ગોલ કરી ઈંગ્લેન્ડની વાપસી
કરાવી. જ્યારે 86મી મિનિટમાં સ્પેનના
સબ્સ્ટીટ્યૂટ ખેલાડી મિકેલે ગોલ કર્યો જે નિર્ણાયક સાબિત થયો.