logo

header-ad

યુક્રેન પર હુમલો કરવા રશિયા સજ્જ:લશ્કર સરહદથી ફક્ત 20 કિ.મી. અંતરે ગોઠવાઈ ગયું, યુદ્ધને ટાળવા અમેરિકા-રશિયા વચ્ચે છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો

  • Published By : Jago News
  • Updated on : 2022-01-22 13:57:38

યુક્રેન પર યુદ્ધનું સંકટ તોળાઈ રહ્યું છે. રશિયાનું સૈન્ય હવે યુક્રેનની સીમાથી ફક્ત 20 કિલોમીટર દૂર હુમલો કરવા માટે સજ્જ થઈ ગયું છે. અમેરિકા અને તેના સહયોગી નાટો દેશ આ યુદ્ધને અટકાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે. જીનિવામાં રશિયા તથા અમેરિકાના વિદેશમંત્રીઓની બેઠક પર સૌની નજર મંડાયેલી છે. હવે ડર એ વાતનો છે કે જો રશિયા હુમલો કરશે તો આ યુદ્ધ રશિયા વિરુદ્ધ પશ્ચિમના દેશો વચ્ચે ફેરવાઈ જશે. યુદ્ધની સ્થિતિને જોતાં બ્રિટને પણ યુક્રેનને એન્ટી ટેન્ક વેપન્સ મોકલ્યાં છે, તો કેનેડાએ પણ તેની પેરા ટ્રુપર રેજિમેન્ટ યુક્રેન રવાના કરી દીધી છે.

નાટોમાં એક મત નથી
ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે, અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની મુલાકાતથી જાણી શકાશે કે યુરોપમાં એક નવા યુદ્ધની શરૂઆત થાય છે કે પછી એને અટકાવી શકાય છે. રશિયા હવે પશ્ચિમ માટે મોટું જોખમ છે અને એવું લાગે છે કે અમેરિકા અને તેના યુરોપના સહયોગીઓ વચ્ચે યોગ્ય સંકલન નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને ગુરુવારે રાત્રે 'નાની ઘૂસણખોરી' શબ્દનો ઉપયોગ કરી સહયોગી દેશોને મૂંઝવણભરી સ્થિતિમાં નાખી દીધા. જોકે ત્યાર બાદ સ્પષ્ટતા કરવામાં આવી કે જો રશિયા યુક્રેન પર કોઈ હુમલો કરે છે તો અમેરિકા અને સહયોગી દેશો આર્થિક મોરચે આકરો જવાબ આપશે.

વધારે આશા નહીં
અમેરિકાના અધિકારીઓને લાવરોવ-બ્લિંકન વચ્ચેની મુલાકાતને લઈ વિશેષ આશા નથી. ગયા સપ્તાહે ત્રણ US રાજદ્વારીએ રશિયાના અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી. ત્યાર બાદ તેમને સ્પષ્ટ અણસાર આવી ગયેલો કે આ વિવાદનો અંત આવે એવી શક્યતા ઘણી ઓછી છે. રશિયા પણ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે નાટોને ખાતરી આપવી પડશે તે યુક્રેન નાટોનો હિસ્સો નહીં બને અને અમેરિકા અથવા તેના સહયોગી આ ક્ષેત્રમાં પગપેસારો નહીં કરે.

આ ઉપરાંત અમેરિકા અહીં જે પણ પરમાણુ શસ્ત્રો ખડકેલાં છે એને પણ હટાવી દેશે. બીજી બાજુ, રશિયાના વિદેશમંત્રીએ પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે બ્લિંકન સાથેની વાતચીત પ્રત્યે વધારે આશા રાખવાની જરૂર નથી. બ્લિંકને પણ જવાબમાં કહ્યું છે કે આ ઠીક છે, પણ મંત્રણાના માર્ગ ખુલ્લા રાખવા જોઈએ.

યુક્રેન તો બહાનું છે, હકીકત અમેરિકા વિરુદ્ધ રશિયા છે
બ્લિંકને બુધવારે કહ્યું હતું કે રશિયાની કેટલાક વાતો અંગે તો વિચાર પણ કરી શકાય તેમ નથી. અમે લશ્કરી નિયંત્રણ તથા લશ્કરી કવાયત અંગે વાત કરી શકીએ છીએ. આ સાથે એવું માનવામાં આવે છે કે શુક્રવારે મુલાકાત બાદ બ્લિંકન અને લાવરોવ મીડિયા સમક્ષ ખુલ્લીને વાત કરશે. રશિયા ભારપૂર્વક કહી રહ્યું છે કે અમેરિકાના અધિકારીઓએ લેખિતમાં ખાતરી આપવાની રહેશે. બ્લિંકનનું કહેવું છે કે આ અંગે વિચાર કરી શકીએ, પણ વચન આપી શકીએ નહીં. બ્લિંકન જીનિવા આવ્યા એ અગાઉ જર્મની, ફ્રાંસ અને બ્રિટનના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. ત્યાર બાદ ગુરુવારે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. અમેરિકાએ યુક્રેનને 6 કરોડ ડોલરની સૈન્ય મદદ કરી છે.

Related News