logo

header-ad

સળંગ આઠ વખત જીતવાનો રેકોર્ડ:ગુજરાત વિધાનસભાના આ બે MLA 1990થી 2022 સુધી સતત જીત્યા, 4 ધારાસભ્ય સતત 7 ટર્મથી વિજેતા

  • Published By : Jago News
  • Updated on : 2022-12-08 17:29:39

મતદાતાઓમાં વિશ્વાસ કેળવવો ઘણો અઘરો છે, પણ વિધાનસભાની ચૂંટણીમાં એવા ઘણા ઉમેદવારો છે, જે સળંગ છથી સાત વખત ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા છે. ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં સાત એવા ઉમેદવાર છે, જે 6થી 8 ટર્મથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. એમાં ભાજપના યોગેશ પટેલ, પબુભા માણેકનો સળંગ આઠ વખત જીતવાનો રેકોર્ડ છે.

યોગેશ પટેલ અત્યારસુધીમાં 8 વાર ચૂંટણી લડ્યા અને જીત્યા
માંજલપુર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર યોગેશ પટેલનો જન્મ 1946 માં થયો છે. વડોદરાના મોટા ભાગના રાજકીય નેતાઓ આર્થિક રીતે સુખી સંપન્ન થયા બાદ તેમનાં મૂળ મકાનો છોડીને અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે, પરંતુ ધારાસભ્ય યોગેશ પટેલ આજે પણ અમદાવાદી પોળમાં ત્રણ માળના મકાનમાં પત્ની સરોજબહેન સાથે રહે છે અને તેમનો પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયાં છે. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. ત્યારથી આજ સુધી 8 વાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. વિધાનસભા ચૂંટણી 2022માં પણ ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે.

યોગેશ પટેલ જીદ લઈને બેઠાં ને ભાજપને ઝૂકવું પડ્યું
1990
માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં આવ્યા બાદ યોગેશ પટેલની બે વખત ભાજપ નેતાગીરીએ તેમની ટિકિટ કાપવા માટે પ્રયત્નો કર્યા હતા. જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી તેઓ રાવપુરા બેઠક ઉપરથી 5 વખત અને માંજલપુર બેઠક ઉપર 2 ટર્મથી ચૂંટાઇ આવ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગૂંચવાયું હતું. આ બેઠક પર સીટિંગ MLA યોગેશ પટેલ ચૂંટણી લડવાની જીદ પકડીને બેઠા હતા. છેવટે ભાજપે બધા નિયમો નેવે મુકીને 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપવી પડી છે. યોગેશ પટેલ પોતાના આકરા તેવર માટે જાણીતા છે, તેઓ સરકાર હોય કે અધિકારી, કોઈની પણ સામે બાંયો ચડાવતાં અચકાતા નથી.

32 વર્ષથી પબુભા માણેક 'બાહુબલી'
પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યાર બાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ પબુભા માણેક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં વિજયી થયા છે. આ પહેલાંની સ્થિતિ પર નજર કરીએ તો આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. અહીં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યાર બાદ 2002થી પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ પબુભા માણેક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈને જીત્યા છે.

પબુભાની સંપત્તિ 115 કરોડ રૂપિયા
કદાવર નેતા પબુભા માણેકનો જન્મ 2 જુલાઈ 1956ના રોજ થયો હતો. 66 વર્ષીય પબુભા માણેક છેલ્લાં 32 વર્ષથી ધારાસભ્ય છે. તેઓ પહેલીવાર 34 વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યારથી ચૂંટણીમાં વિજય મેળવી રહ્યાં છે. તેઓ ભૂતકાળમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. 2019માં પબુભા માણેકનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં તે RTI એક્ટિવિસ્ટને ધમકાવતા જોવા મળ્યો હતા. પબુભા માણેક વાઢેર જ્ઞાતિમાંથી આવે છે તેમની સમાજમાં છાપ સારી છે. પબુભા માણેકની સંપત્તિ 1 અબજ 15 કરોડ 58 લાખ 97 હજાર 789 રૂપિયા છે.

'ભાઈ' તરીકે ઓળખાતા પુરુષોત્તમ સોલંકી
ભાજપે ભાવનગર ગ્રામ્ય બેઠક પર પુરુષોત્તમ સોલંકીને ટિકિટ આપી છે. ત્યારે કોળી સમાજના આગેવાન નેતા અને સમાજમાં 'ભાઈ' તરીકે ઓળખાતા પુરુષોત્તમ સોલંકીની ગણતરી શિક્ષિત રાજકારણીઓમાં કરવામાં આવે છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 1979માં ગવર્મેન્ટ ટેક્નિકલ હાઈસ્કૂલ મુંબઈથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું છે. તેઓ ગુજરાતના રાજકારણમાં આવ્યા એ પહેલાં મુંબઈ હતા, મુંબઈમાં તેમના પિતા સામન્ય મિલ કામદાર હતા. મુંબઈમાં રાજકીય કારકિર્દી શરૂ કર્યા પછી સોલંકીએ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સમાજમાં નાનાં-મોટાં કામોમાં આર્થિક, સામાજિક જેવો ફાળો
1995
પહેલાં પુરુષોત્તમ સોલંકી ભાજપમાં જોડાયા હતા. ચૂંટણીમાં સોલંકીને ઘોઘા બેઠક પરથી ટિકિટ આપી અને સોલંકી સરળતાથી જીતી ગયા. એ પછી સોલંકી 1998, 2002 અને 2007માં પણ ઘોઘાથી જીત્યા. નવા સીમાંકનને કારણે 2012માં ઘોઘા બેઠક નાબૂદ થતાં સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા. તેઓ 2012 અને 2017માં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી જીતતા આવ્યા છે. તેમણે કોળી સમાજમાં નાનાંમોટાં કામોમાં આર્થિક, સામાજિક જેવો ફાળો આપ્યો હતો. સમાજમાં તેમને આવકાર મળ્યો અને તેઓ 1995થી સતત ધારાસભા લડીને જીત મેળવતા આવ્યા છે. તેઓ અને તેમના નાના ભાઈ હીરા સોલંકી બંને રાજકારણમાં છે. તેમને 2 દીકરા હિરેન અને દિવ્યેશ છે. સાથે જ એક દીકરી અને તેમનાં પત્ની છે.

પંકજ દેસાઈ 1985માં તેઓ રાજકારણમાં જોડાયા
ભાજપ માટે નડીયાદ વિધાનસભા બેઠકના મહારથી ઉમેદવાર પંકજ દેસાઈનો જન્મ 19મી જુલાઈ 1961ના રોજ આણંદ જિલ્લાના ભાદરણ ગામમાં થયો હતો. તેમણે બીએસસી (કેમિસ્ટ્રી)નો અભ્યાસ કર્યો છે અને તેઓ ખેતી તેમજ વેપાર કરે છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની મારુલબેન તથા એક પુત્ર અને એક પુત્રી છે. 1985માં તેઓ રાજકારણમાં જોડાયા હતા. નગરપાલિકાના સભ્ય બન્યા હતા. એ બાદ 1995માં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. પ્રથમ વખત 1998માં નડિયાદ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા બાદ પછીની સતત પાંચ ટર્મથી તેઓ ભાજપના અજેય ધારાસભ્ય રહ્યા છે. આ નેતાની નોટબુકમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પદ તરીકે કાર્યરત હોવાનું પણ નોંધાયેલું રહ્યું છે..

પંકજ દેસાઈ વિધાનસભા કાયમી દંડક બની ગયા હોય એવી સ્થિતિ
પંકજ દેસાઈ વિવિધ સંસ્થાઓ સાથે જોડાઇને વિવિધ સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. વિધાનસભાના દંડક તરીકે સેવા બજાવી છે. 2010માં પ્રથમ વખત તેમની દંડક તરીકે નિમણૂક બાદ વિધાનસભાના તેમના અનુભવને લઈને સતત તેમને જ દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. એને લઈ 2010થી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકપદે કાર્યરત છે. જાણે તેઓ કાયમી દંડક બની ગયા છે. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત લોકોની વચ્ચે રહી સમસ્યાઓના નિવારણ માટે તેમજ વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. કોઈપણ પ્રશ્ન કે સમસ્યા લઈને આવનારા લોકોની સમસ્યાના ત્વરિત ઉકેલ માટે કાર્ય કરે છે. જેથી તેમની લોકપ્રિયતા સતત વધતી રહી છે. હાલ રોબોટ દ્વારા પ્રચારથી ચર્ચામાં આવ્યા છે.

જેઠા ભરવાડની 2012થી દબંગ નેતાની છાપ
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટના તરસંગ ગામે જૂથઅથડામણની ઘટના બની હતી. એમાં જેઠા ભરવાડના માથે ઇજા પહોંચી હતી. સમગ્ર ચૂંટણીમાં આ ઘટનાને કદાચ સૌથી મોટી જૂથઅથડામણની ઘટના ગણી શકાય. ઘટના બાદ પહેલા સમાચાર આવ્યા કે જેઠા ભરવાડ પર ગોળીબાર થયો છે. જોકે પછી જાણવામાં આવ્યું હતું કે જેઠા ભરવાડના ગાર્ડે ગોળીબાર કર્યો હતો. બાદમાં જેઠા ભરવાડ હંમેશાં વિવાદમાં રહી દબંગ નેતા તરીકેની છાપ ઊભી કરી છે. આ વખતે ભાજપે તેને ટિકિટ આપી છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠા ભરવાડ છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે, એટલે કે તેમણે 1998થી શહેરામાં દબદબો જમાવી રાખ્યો છે.

આરસી પટેલ કોંગ્રેસના ગઢને તોડી 5 ટર્મથી ધારાસભ્ય
આરસી પટેલ 1998થી સતત જીતી રહ્યા છે. 1998 પહેલા આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી. તેઓ 1998માં પ્રથમ વખત જીત્યા હતા. આ પછી 2002, 2007, 2012 અને 2017માં પણ આરસી પટેલ આ બેઠક પર જીત્યા હતા. આ બેઠક પર આદિવાસી અને પટેલ સમાજના લોકોની સંખ્યા નોંધપાત્ર છે. પક્ષો હંમેશા આ સમુદાયોના મતદારો પર નજર રાખે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના આરસી પટેલે કોંગ્રેસના ઉમેદવાર પરિમલભાઈ પટેલને 25,000 મતોથી હરાવીને આ બેઠક જીતી હતી. જલાલપોર બેઠક નવસારી જિલ્લાની ચાર બેઠકોમાંથી એક છે. 2017માં ભાજપે જિલ્લામાં ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર એક જ સીટ આવી શકી હતી. ભાજપના વરિષ્ઠ નેતા આરસી પટેલ અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

છોટુ વસાવા પિતા અને સસરા પાસેથી રાજકારણના પાઠ શીખ્યા
દબંગ નેતાની છાપ ધરાવતા છોટુ વસાવા સાત વખતથી ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જેઓ તેમના પિતા અને સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા છે. હવે, તેમના દીકરા મહેશને રાજકીય વારસ માનવામાં આવે છે. વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ, એમઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે. 1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. રાજકીય સફરમાં છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પણ ક્યારેય સાંસદ બની શક્યા નથી.

અનામત ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો આ વખેત તૂટ્યો
છોટુભાઈ દલિત, આદિવાસી અને મુસ્લિમ એકતા દ્વારા સંયુક્ત હિત સાધવાની વાત અનેક વખત જાહેરમંચો પરથી કહી ચૂક્યા છે. આ પછી તેઓ પગારવધારા અને કિસાન સહિત અનેક આંદોલનોમાં સામેલ થયા અને યોજ્યા, જે ધારાસભા સુધી પહોંચવાનાં પગથિયાં બન્યાં. છોટુભાઈની છાપ ભલે દબંગ નેતા તરીકેની હોય, પરંતુ સ્થાનિકો માટે તેઓ 'રૉબિનહૂડ' છે. છેલ્લા લગભગ ચાર દાયકાથી અનુસૂચિત જનજાતિ માટે અનામત ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ દરમિયાન તેઓ જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણીજંગમાં ઊતર્યા હતા. જોકે, આ વખતે તેમને હાર મળી છે.

કબજો જમાવી બેઠેલા મધુ શ્રીવાસ્તવ પર ભાજપે બ્રેક મારી
મધુ શ્રીવાસ્તવના પિતા બાબુભાઈ શ્રીવાસ્તવ ભારતીય સેનામાં હતા. મધુ શ્રીવાસ્તવના લગ્ન સવિતાબેન સાથે થયા હતા અને તેમને 2 સંતાન દીપક અને વિજયાલક્ષ્મી છે. તેમના પત્ની સવિતાબહેન શ્રીવાસ્તવ તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમની દીકરી પણ રાજકારણમાં સક્રિય છે. મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતાની છે. 1995માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ કબજો જમાવી બેઠેલા મધુ શ્રીવાસ્તવ પર ભાજપે 2022ની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપીને બ્રેક મારી છે, ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

મધુ શ્રીવાસ્તવ 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક જીત્યા ને હવે બ્રેક લાગી
મધુ શ્રીવાસ્તવે 1982માં રાજકારણમાં પગરણ માંડ્યા હતા. 1982માં વડોદરા કોર્પોરેશનમાં વાડી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. 1985માં તેમણે અને તેમના પિતરાઈ ભાઈ અને કોંગ્રેસ સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ) સાથે મળી "લોકશાહી મોરચો" નામનો પક્ષ બનાવ્યો હતો અને કોર્પોરેશનની ચૂંટણીમાં 10 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. 1995માં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક કબજે કરી હતી. તેઓ કોંગ્રેસના ઉમેદવાર મનુભાઇ સામે 22 હજાર મતોથી જીત્યા હતા. 1995માં અપક્ષ ચૂંટણી જીત્યા બાદ 1997માં કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેના ગજગ્રાહના કારણે રાજ્ય સરકારમાં ઊથલપાથલ થઇ હતી, ત્યારે તેમણે શંકરસિંહ વાઘેલાને ટેકો આપ્યો હતો. એક વર્ષ બાદ ચૂંટણી આવતાં તેઓ 1998માં વિધિવત્ ભાજપમાં જોડાયા હતા. આમ તેઓ 1995થી 2017 સુધી સતત 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા અને વાઘોડિયા બેઠક પર કબજો જમાવી રાખ્યો હતો. જોકે આ વખતે તેમની જીત પર બ્રેક લાગી છે.

કેશુભાઈ નાકરાણી સૌપ્રથમ વખત 1995માં ચૂંટણી લડ્યા
ગારીયાધારની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે કેશુભાઈ નાકરાણીની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી છે. કેશુભાઇનો જન્મ 29 ઓક્ટોમ્બર, 1957ની રોજ ભાવનગરના ગારીયાધારમાં થયો હતો. તેમના પિતાનું નામ હીરજીભાઈ નાકરાણી છે. તેમણે સૌ પ્રથમ વખત 1995માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો કેશુભાઈ નાકરાણી ભાજપના ઉમેદવાર હતા. તેમણે કોંગ્રેસના બાબુભાઈ માંગુકિયાને 53,377 મતોથી હાર આપી હતી. કેશુભાઈએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ સવિતાબેન છે. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમની કામની વાત કરવામાં આવે તો તેઓ ખેતી અને સમાજસેવા કરે છે. તેમના પર અત્યાર સુધીમાં કોઈ પણ ગુનાહિત કેસ નથી નોંધાયો.

કેશુભાઈની સરકારમાં પણ કેશુભાઈ નાકરાણી મંત્રી રહેલા પણ હવે હાર્યા
ભાજપની વર્તમાન સરકારે 2022ની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ સરકારમાં વિજેતા બનેલા અને ધારાસભ્ય કે મંત્રી બનેલા ત્રણ પાટીદાર સમાજના ઉમેદવારને 27 વર્ષ બાદ પણ રિપીટ કર્યા છે. જેમાં કાંતિ અમૃતિયા, ચીમન સાપરિયા અને કેશુભાઈ નાકરાણીનો સમાવેશ થાય છે. આ એવા ઉમેદવાર છે કે જેઓ કેશુભાઈ પટેલની સરકારમાં વિજેતા બન્યા હતા અને હવે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરીથી એક વખત ભાજપના ઉમેદવાર બન્યા હતા. જોકે, આ વખતે તેમની હાર થઈ છે.

 

Related News