મહાનગરોને ફરી એકવાર વરસાદે ઘમરોળ્યું, અમદાવાદના વાડજ વિસ્તારમાં મેઘરાજાની દે ધનાધન બેટિંગ
- Published By : Jago News
- Updated on : 2024-07-29 12:24:53
અમદાવાદ: ગુજરાતના ચાર મહાનગરોમાં વરસાદી માહોલ જામ્યો છે.
અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા
આખા શહેરમાં મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો
છે. જ્યારે વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 24 જુલાઈના રોજ પડેલા 14 ઈંચ વરસાદથી પૂરમાંથી
હજુ માંડ બહાર આવ્યા છે ત્યારે આજે ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી લોકો ફરી
ચિંતામાં મુકાયા છે. જ્યારે સુરત અને રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે.
ચામુંડા બ્રિજથી સરસપુર
જવાના રસ્તે ઢીંચણ સુધીના પાણી ભરાતા ખૂબ જ ટ્રાફિકજામ થયો છે. ચારે તરફથી રસ્તા
પર આવતા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે. રસ્તા પર એમબ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી.
અનેક વાહનો પાણીના કારણે બંધ થયા છે. ટ્રાફિક પોલીસના માત્ર બે જવાન કર્મચારીઓ
દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યું છે. જેથી સ્થાનિકોની મદદ લેવી પડી રહી
છે. રસ્તાની ચારેયબાજુ 300થી 500 મીટર સુધીનો ટ્રાફિકજામ છે. આથી ચાર એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ છે.
મેઘાણીનગરમાં
વિદ્યાર્થીઓ હેરાન થયા
વરસાદ બંધ થયો છતાં મેઘાણીનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. ગાંધીની ચાલીથી
ચમનપુરા તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાતા નાગરિકો હેરાન થયા છે. કેટલાક લોકોના વાહનો
બંધ થયા તો સ્કૂલેથી આવતા બાળકો પણ વરસાદના પાણીના કારણે હેરાન થયા છે.
વાડજ સર્કલે ટ્રાફિકજામ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાડજ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે
ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીમાં વાહનચાલકો ધીમે ધીમે વાહનો
ચલાવી રહ્યા છે. વાડજ સર્કલ પાસે સવારથી ટ્રાફિકની પરિસ્થિતિ જોવા મળે છે.
શહેરીજનોને વરસાદી પાણી
ભરાવવાની સમસ્યા ઊભી ન થાય તેના માટે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં
આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જોધપુર વિસ્તારમાં બનાવેલા વાઈટ ટોપિંગ રોડની
આસપાસની સોસાયટીઓમાં માત્ર એક ઈંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. જોધપુર વિસ્તારમાં
આવેલા તેજધારા બંગલો સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના
અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરો દ્વારા જોધપુર વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડની
આસપાસ સોસાયટીઓમાં પાણી ન ભરાતા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ વાઈટ ટોપિંગ
રોડના કારણે આસપાસની સોસાયટીઓ પાણી-પાણી થઈ ગઈ છે.
અગાઉ પાણી ન ભરાયા હોવાનો AMCએ દાવો કર્યો હતો
જોધપુર રાહુલ ટાવરથી પ્રેરણા તીર્થ દેરાસર થઈ
ઓમકારેશ્વર મહાદેવથી શ્યામલ સૈનિક પેટ્રોલ પંપ સુધી વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યો છે.
આ રોડ પર કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાયા છે. થોડા દિવસ પહેલા જોધપુર વિસ્તારમાં
પાંચ ઇંચ જેટલા વરસાદમાં પણ એક પણ જગ્યાએ વરસાદી પાણી ભરાયું હોવાની ફરિયાદ આવી
નથી તેઓ દાવો કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગે સાંજે 7 વાગ્યા પછીના ફોટો જાહેર કર્યા
હતા. જો કે, આદ્યશક્તિ સોસાયટીની આસપાસ
પાણી ભરાયા હતા.