logo

header-ad

ભારતીયોના એક નિર્ણયથી દેશના એક લાખ કરોડ બચાવી શકાયા, ચીનને પણ આપ્યો ફટકો

  • Published By : Jago News
  • Updated on : 2023-11-14 17:44:59

આજથી વિક્રમ સંવત ૨૦૮૦નો પ્રારંભ થઇ ગયો છે. વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નવું વર્ષ નવી આશાઓના સંચાર સાથે આવતું હોય છે. શેરબજાર, સોના ચાંદી અને રોજીંદી ચીજોના ભાવોની સંભવિત ચડ ઉતર પર સૌની નજર રહે છે. વધુ પ્રોફિટ મળે અને વધુ સમૃધ્ધિ મળે તેવી અપેક્ષા દરેક રાખે છે. વિક્રમ સંવત ૨૦૮૦ના પ્રારંભથી જ વિશ્વયુધ્ધના ભણકારા વાગી રહ્યા છે તો બીજી તરફ ભારતનું અર્થતંત્ર (India Economy) વૈશ્વિક મંદી સામે વળતી લડત આપી રહ્યું હોય એમ જોવા મળે છે. ભારતના બજારો મંદીની અસર હેઠળ છે પરંતુ તે સ્થિરતા ટકાવી શક્યા છે.

૨૦૮૦નું વર્ષ ભારત માટે અનેક રીતે ફળદાયી બનવાના સંકેત

૨૦૮૦નું વર્ષ ભારત માટે અનેક રીતે ફળદાયી બની શકે એવા સંકેતો વર્તમાન બજારોમાંથી મળી રહ્યા છે. ભારતના આર્થિક તંત્રના વિકાસને ચીન (China)ની પ્રોડક્ટ અટકાવી રહી છે. ચીનના માલનું ડમ્પીંગ ભારતના છૂટક બજારોને પણ અસર કરી રહ્યું છે.  ભારતની વોકલ ફોર લોકલ (Vocal For Local)વાળી નિતી ઉપયોગી બની રહી છે. વેપારમાં ભારતના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી ચીનને હંફાવવાની શરૂઆત ભારતે કરી દીધી છે અને ૨૦૯૦માં તે વધુ બળવત્તર બનીને ચીનને ગૂંગળાવી શકે છે.

સ્થાનિક મેન્યુફેક્ચરોને ટેકો આપવાના દરેક રાજ્ય સરકારે પ્રયાસ કર્યો

સ્થાનિક મેન્યુફેક્ચરોને ટેકો આપવાના દરેક રાજ્ય સરકારે પ્રયાસ કર્યો હતો અને ચીનની ચીજોની ખરીદીથી દુર રહેવાનો બિનસત્તાવાર પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ સફળ પણ થયો છે. ભારતના લોકો અનેક રીતે દેશના આર્થિક તંત્રને મદદ કરી શકે છે. તાજેતરમાં ભારતીયોના એક નિર્ણયથી દેશના એક લાખ કરોડ બચાવી શકાયા છે. દેશની વેપાર ખાદ્ય ૧૦૦ અબજ ડોલરની છે તેમાં એક લાખ કરોડ બચાવી શકાયા તે બહુ ઓછી રકમ છે પરંતુ ભારતના લોકોના સંયુક્ત પ્રયાસથી તે બચાવી શકાયા તે બહુ મોટી વાત છે.

ચીનના બહિષ્કારના કારણે સરકારને સીધો લાભ થયો

રોજે રોજ ચીનના અતિક્રમણ અને પાકિસ્તાનને મદદ કરતા અહેવાલોના કારણે લોકોએ સ્વયંભૂ નિર્ણય લઇને ચીનના માલનો બહિષ્કાર કરવો શરૂ કર્યો હતો. આ બહિષ્કારના પગલે સરકારને એક લાખ કરોડનો સીધો લાભ થયો છે. આ સ્થિતિ મહત્વની એટલા માટે છે કે ફટકો ચીનને પડ્યો છે અને તેમાં સરકારનો કોઇ પ્રયાસ નથી પણ માત્ર સ્વયંભૂ તાકાતના દર્શન થયા હતા. ભારત સરકારે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે દેશના લોકો ધારેતો આર્થિક ક્ષેત્રે ચમત્કાર લાવી શકે છે. દેશના મધ્યમ વર્ગના લોકો ધારે તો સ્વદેશી ચીજો અપનાવીને વિદેશી ચીજોના વેપારને ફટકો મારી શકે છે.

દિવાળી અને ધનતેરસના દિવસોમાં ૫૦ હજાર કરોડનો બિઝનેસ થયો

ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કહે છે કે દિવાળી અને ધનતેરસના દિવસોમાં ૫૦ હજાર કરોડનો બિઝનેસ થયો છે. કહે છે કે, કેટલીક મહિલા સંસ્થાઓએ આ વખતે દરેક મહિલા ઉદ્યોગ સાહસીક પોતાની પ્રોડક્ટ વેચી શકે એટલે સંસ્થાના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. કેટલીક કંપનીઓએ ગામડામાં બનતી પ્રોડક્ટ માટે વિવિધ વેબસાઇટ પર તેમને એન્ટ્રી અપાવી હતી. આવી વેબસાઇટ પર ગામડાના લોકોના માટીના દિવાથી (કોડીયા) માંડીને ભરતગૂંથણથી બનાવેલા દિવાળી તોરણો પણ વેચી શકતા હતા. આ એ લોકો હતા કે જેમને સોશ્યલ નેટવર્ક ફાવતું હતું પરંતુ ઓનલાઇન ઇ કોમર્સ ફાવતું નહોતું. તેમનું કામ વેબસાઇટ ધરાવનારા મફતમાં કરી આપતા હતા. વોકલ ફોર લોકલને પ્રાધાન્ય મળતાંજ મેઇડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ વેચાવા લાગી હતી. જેનો સીધો ફટકો ચીનના ઉત્પાદનો પર પડ્યો હતો. જે અંદાજે એક લાખ કરોડનો છે.

ચીનનું ઇમીટેશન જ્વેલેરીનું માર્કેટ ભારતના કારીગરો પાસે આવી ગયું

નાની નાની ચીજો જેવીકે ઘરની સફાઇના વપરાશમાં લેવાતા બાંબુ ઝાડૂ પણ ઓનલાઇન વેચાતા હતા. જેને પહેલાં ચીનથી મંગાવાતા હતા. એવીજ રીતે ઇમીટેશન જ્વેલેરીનું માર્કેટ ચીન પાસે હતું જે વોકલ ફોર લોકલના કારણે ફરી ભારતના કારીગરો પાસે આવી ગયુ છે. ઓનલાઇન વેચાણ ભલે અબજો રૂપિયામાં હોય પરંતુ જ્વેલેરી, સોના ચાંદીના સિક્કા વગેરે તો લોકો રૂબરૂ જઇને ખરીદતા જોવા મળ્યા હતા. ગ્રાહકો એકજ પ્રશ્ન પૂછતા જોવા મળ્યા હતાકે ચીનની પ્રોડક્ટ હોય તો ના આપતા. દિલ્હીના ચાંદની ચોક, સદર બજાર વગેરેમાં મેઇડ ઇન ઇન્ડિયાનો માલ વેચાતો હતો. આ બજારોમાં પહેલાં ચીનની પ્રોડક્ટનું પ્રભુત્વ જોવા મળતું હતું.

ભારતના અમેરિકા ખાતેના એક્સપોર્ટમાં ૪૪ ટકાનો વધારો થયો

આત્મનિર્ભર ભારતનો મંત્ર અસરકારક બની રહ્યો છે. ભારત સેમીકન્ડક્ટર ચીપથી માંડીને રોજીંદા વપરાશમાં આવતી ચીજો માટે ચીન પરનો આધાર ઓછો થાય તેવા પ્રયાસો કરી રહી છે. ભારતના અમેરિકા ખાતેના એક્સપોર્ટમાં ૪૪ ટકાનો વધારો થયો જ્યારે અમેરિકા મોકલાતા ચીનના માલમાં ૧૦ ટકા ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે ચીનની ખરડાતી વેપારી ઇમેજનો લાભ ભારતે ઉઠાવવો પડશે. ચીનમાંથી રોકાણકારો ભારત આવી રહ્યા છે. ચીને અબજો રૂપિયાનું રોકાણ પોતાની નેગેટીવ નિતીના કારણે ગુમાવ્યું છે તો બીજી તરફ ભારતની કંપનીઓમાં નવા રોકાણ આવી રહ્યા છે. વિક્રમ સંવત ૨૦૮૦ ચીનને બિઝનેસ ક્ષેત્રે હંફાવવાની તક લઇને આવ્યું છે. ભારતે લોકોમાં દેશ દાઝ ઉભી કરીને આત્મનિર્ભર બનવાનું પ્લેટફોર્મ વધુ મજબૂત કરવાની જરૂર છે.