logo

header-ad

ગાઢ જંગલ વચ્ચે દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઊંચાઈએ આવેલું વિલ્સન હિલ ખીલ્યું, જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી!

  • Published By : Jago News
  • Updated on : 2022-08-10 17:57:30

ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે શહેરીજનો હાલમાં આહવા ડાંગ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય જંગલ વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. આમ તો સામાન્ય દિવસોમાં પણ હીલ સ્ટેશન ફરવા જવું હોય તો સુરતીઓ સાપુતારાએ પહોંચી જતાં હોય છે, પરંતુ હાલમાં વલસાડના ધરમપુર તાલુકાના નવા ગિરિમથક તરીકે વિકસી રહેલા વિલ્સન હિલ ખાતે જવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારમાં પર્વતની ટોચ ઉપર અને દરિયાઈ સપાટીથી લગભગ 2500 ફૂટની ઊંચાઈએ આવેલા વિલ્સન હીલ ખાતે આવતા પ્રવાસીઓ સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા માણવાનું ચૂકતા નથી.

સહેલાણીઓ વિલ્સન હિલ ખાતે જ રોકાવાનું પસંદ કરે
વિલ્સન હિલ નજીક શંકર ધોધ પણ આવેલો હોવાથી લોકો ધોધ જોવા અચુક જવાનું પસંદ કરે છે. આ હિલ સ્ટેશન ખાતે રાત્રી દરમિયાન પણ રહેવા-જમવાની સુવિધાઓ છે. આ સાથે નજીકમાં જ મહારાષ્ટ્રની સરહદ આવી હોવા છતાં સહેલાણીઓ વિલ્સન હીલ ખાતે જ રોકાવાનું પસંદ કરે છે.

મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે
ધરમપુરથી ફક્ત 25 કિમીના અંતરે આવેલા વિલ્સન હિલને ગિરિમથક તરીકે વિકસાવવા ગુજરાત ટુરીઝમ દ્વારા 13થી 16 ઓગષ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે પાપા ડાન્સ, તુર ડાન્સ, ઘેરીયા નૃત્ય, તરપા ડાન્સ, લોક ડાયરો, ગુજરાતી ફોક ડાન્સ તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

આહલાદક વાતાવરણ સાથે સેલ્ફી લેતા સહેલાણીઓ
ધરમપુરથી વિલ્સન હીલ જવા માટે સાપુતારાની જેમ સર્પાકાર રસ્તાઓ પસાર થતાં હોવાથી સહેલાણીઓ તેની અનોખી રીતે જ મજા માણતા જોવા મળે છે. રસ્તાની બાજુઓ પર જગ્યા મળે ત્યાં પ્રવાસીઓ ઉંચી ટેકરીઓ અને પર્વતો વચ્ચે દેખાતા આહલાદક વાતાવરણ સાથે સેલ્ફી લેવાનું ચુક્તા નથી.

 

Related News