logo

header-ad

ગાંધીનગરનાં કુડાસણમાં મોટા ભાગનો પિત્ઝા ખાધા બાદ જીવાત નીકળી, યુવકની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

  • Published By : Jago News
  • Updated on : 2022-08-10 17:31:57

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે પિત્ઝા ખાવાનું બે મિત્રને ભારે પડી ગયું છે. બિનઆરોગ્યપ્રદ જીવાતવાળા પિત્ઝા ખાધા પછી અચાનક એક યુવાનની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે. ત્યારે પિત્ઝામાં જીવાત-કીડા હોવાની ફરિયાદ કરતાં મેનેજર લાજવાને બદલે ગાજ્યો હોવાના પણ આક્ષેપ યુવાનો દ્વારા કરવામાં આવ્યા છે.

પિત્ઝા ખાધા પછી યુવાનને સીધા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું
પાટનગરના ન્યૂ ગાંધીનગરનાં કુડાસણ, રાયસણ, સરગાસણ અને પીડીપીયુ વિસ્તારમાં અઢળક હોટલો અને ખાણીપીણીની લારીઓ ધમધમતી રહી છે. જોકે તહેવાર ટાણે જ નામ પૂરતી કાર્યવાહી કરતી મનપાની આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે નગરજનો બિનઆરોગ્યપ્રદ ખોરાક આરોગી રહ્યા હોય એવું ચિત્ર ઊપસી આવ્યું છે. કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે પિત્ઝા ખાધા પછી એક યુવાનની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે.

ખાલી પ્લેટમાં અઢળક જીવાત હતી
કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં મિતેશ વગાશિયા તેમના મિત્ર હિમાંશુ બાયડ સાથે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે જમવા માટે ગયા હતા. જેમણે પિત્ઝા ગાર્લિક બ્રેડ, સહિતની ચીજો મગાવી હતી. તેમણે પિત્ઝા હટને એક હજારથી ઉપરનું બિલ પણ ચૂકવી દીધું હતું. જાણીતી પિત્ઝા હટમાં બેસીને મિત્રો મળીને પિત્ઝાની મઝા માણી રહ્યા હતા. એ વખતે તેમના ટેબલ પર મૂકવામાં આવેલી ખાલી પ્લેટમાં અઢળક મચ્છરો-જીવાત મરેલી હાલતમાં જોવા મળ્યાં હતાં.

ફ્રી ઓર્ડર આપવાની લોભામણી ઓફર કરી
આ મામલે ફરિયાદ કરતાં વેઇટર આવીને પ્લેટ બદલી ગયો હતો. બાદ બંને મિત્રો વાતચીત કરતાં કરતાં પિત્ઝા ખાવા લાગ્યા હતા અને મોટા ભાગનો પિત્ઝા ખતમ થવા આવ્યો ત્યારે અચાનક પિત્ઝામાં કીડા હોવાનું માલૂમ પડયું હતું. આ જોઈને તેઓ ચોંકી ઊઠયા હતા, કેમકે જીવાતવાળો પિત્ઝા ખાઈ ચૂક્યા હતા. આ મામલે ફરિયાદ કરતાં પિત્ઝા હટનો વેઇટર આવીને માફી માગવા લાગ્યો હતો અને બીજો ફ્રી ઓર્ડર આપવાની લોભામણી ઓફર કરીને આગળ વધુ કશું નહિ કરવા કહેવા લાગ્યો હતો. જોકે, આવો અનુભવ અગાઉ પણ થઈ ચૂક્યો હોવાથી તેમણે પિત્ઝા હટના કસ્ટમર કેર તેમજ ઈમેલ મારફત પણ ફરિયાદ કરી હતી.

પિત્ઝામાંથી જીવાત નીકળી: હિમાંશુ
આ અંગે હોસ્પિટલમાં દાખલ હિમાંશુએ જણાવ્યું હતું કે કુડાસણની પિત્ઝા હટમાં પિત્ઝામાંથી જીવાત-કીડા નીકળ્યાં હતાં. જ્યારે પ્લેટોમાં પણ પુષ્કળ મચ્છરો - જીવાત મરેલી હાલતમાં હતા. અહીંથી નીકળીને ઘરે ગયા પછી અચાનક ઝાડા-ઊલટી થઇ ગયાં હતાં. રાત્રિ સુધી જેમતેમ કરીને ચલાવી લીધું પણ સવાર પડતાં તબિયત વધુ બગડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. આ પહેલાં પણ પિત્ઝામાંથી જીવાત નીકળી હતી, એ વખતે બહુ ધ્યાન આપ્યું નહોતું. આ વખતે જીવાતવાળા પિત્ઝા ખાવાના લીધે મને ઝાડાઊલટી થઇ ગયાં, જેથી આવી જાણીતી હોટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં રાયસણ પીડીપીયુ રોડ, કુડાસણ સહિતના વિસ્તારોમાં હોટલો - લારીઓ પર બિનઆરોગ્યપ્રદ નોનવેજ પણ છૂટથી વેચાણ થઈ રહ્યું હોવાની પણ વ્યાપક બુમરાણ ઊઠતી હોવા છતાં આરોગ્ય શાખા ગાઢ નિદ્રામાં પોઢી રહ્યું છે.

Related News