હવામાન વિભાગની આગાહી:પવનની દિશા બદલાતાં આજથી ઠંડી ઘટવાની વકી; 3થી 4 દિવસમાં ઠંડી વધુ 3 ડીગ્રી ઘટી શકે છે

  • Published By : Jago News
  • Updated on : 2022-01-17 11:20:41

ગાંધીનગર: ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. જો કે, સોમવારથી પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 4 ડીગ્રી વધીને 12.8 ડીગ્રી નોંધાયું હતું.

અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડીગ્રી વધ્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.0 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડીગ્રી નોધાયો હતો.

 

 

Related News