logo

header-ad

હજી બે દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે:અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડામાં આજે કડાકાભડાકા સાથે ધોધમાર તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી

  • Published By : Jago News
  • Updated on : 2023-05-30 19:04:48

અમદાવાદ: ગુજરાતમાં હજી પણ આવનારા બે દિવસ માટે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી છે. જો કે, અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 40-50 કિમીની રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પાટણ, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂચ, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી રહી છે.

ગુજરાતના ફરતે વરસાદની ત્રણ સિસ્ટમ સર્જાઈ છે.
ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદને અમદાવાદમાં ગઈકાલે રમાયેલી IPL ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

24 કલાકમાં સૌથી વધુ અંજારમાં 2 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં 24 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધોરાજીમાં 1.5 ઈંચ, પાલીતાણામાં 1.5 ઈંચ, શિહોરમાં સવા ઈંચ, ગારિયાધારમાં 1 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ, વલ્લભીપુરમાં 1 ઈંચ, જામકંડોરણામાં પોણો ઈંચ, કોટડાસાંગાણીમાં પોણો ઈંચ, ગાંધીધામમાં પોણો ઈંચ, મહુવામાં પોણો ઈંચ, જેસરમાં પોણો ઈંચ, ઉમરાળામાં પોણો ઈંચ, સૂઈગામમાં પોણો ઈંચ, બરવાળામાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

Related News