logo

header-ad

આખા પાકિસ્તાનમાં લાઇટ ડૂલ:ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં અનેક કલાકોથી લાઇટ નથી, નેશનલ ગ્રિડ ડાઉન

  • Published By : Jago News
  • Updated on : 2023-01-23 19:45:03

મોંઘવારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાને હવે વીજળી સંકટનો સામનો કરવો પડ્યો છે. સોમવારે પાડોશી દેશમાં પાવર કટ થયો હતો. ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોમાં કેટલાય કલાકોથી લાઈટ નથી.

ઊર્જા મંત્રાલયે કહ્યું હતું કે નેશનલ ગ્રિડ સવારે 7:34 વાગ્યે ડાઉન થઈ ગયું, જેને કારણે વીજતંત્ર ખોરવાઈ ગયું હતું. મંત્રાલયે કહ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ઊર્જા મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું હતું.

બલૂચિસ્તાનમાં વીજળી વગરના 22 જિલ્લા
જિયો ન્યૂઝ અનુસાર, ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીએ જણાવ્યું હતું કે બલૂચિસ્તાનનાં 22 શહેર સવારથી વીજળી વગરનાં છે. અહીં ગુડ્ડુ અને ક્વેટા વચ્ચેની બે સપ્લાય લાઈનમાં સમસ્યા છે.

ગત વર્ષે 12 કલાક પાવર ફેઇલ થયો હતો
પાકિસ્તાન આ વર્ષે નવી ઊર્જા યોજના લઈને આવ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટો પાવર કટ થયો હતો. ત્યાર બાદ કરાચી, લાહોર જેવાં શહેરોમાં લગભગ 12 કલાક સુધી પાવર કટ રહ્યો હતો.

ઘણી જગ્યાએ સિસ્ટમ રિસ્ટોરનું કામ શરૂ થયું
પાકિસ્તાનના મીડિયા હાઉસ ડોનના જણાવ્યા અનુસાર, પેશાવર અને ઈસ્લામાબાદમાં સિસ્ટમને રિસ્ટોર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર પાકિસ્તાનમાં 117 પાવર ગ્રિડ વીજળી વગરનાં છે.

પાકિસ્તાને ગયા વર્ષે વીજળી બચાવવા માટે આ યોજના બનાવી હતી

·         વીજળી ઉત્પન્ન કરતા પંખાનું ઉત્પાદન જુલાઈથી બંધ થઈ જશે. એનાથી 2200 કરોડની બચત કરવામાં મદદ મળશે.

·         લગ્નના હોલ રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે.

·         1 ફેબ્રુઆરી પછી માત્ર LED બલ્બનો જ ઉપયોગ થશે.

·         સરકારી વિભાગોમાં 30% વીજળી બચાવવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે.

·         બજારને રાત્રે 8.30 વાગ્યા સુધી જ ખૂલી રાખવા દેવાશે

·         વર્ક ફ્રોમ હોમ અમલમાં આવશે

 

Related News