logo

header-ad

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ લેન્ડસ્લાઈડ, 80 રસ્તાઓ બંધ થતાં લોકો પરેશાન

  • Published By : Jago News
  • Updated on : 2024-07-29 12:32:45

નવી દિલ્લી: હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા 80થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. શિમલામાં મેહલી-શોધી રોડ પર ભૂસ્ખલનને કારણે એક વાહન પણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. તેમજ, કિન્નૌર જિલ્લાના ગ્યાબુંગમાં રવિવારે વાદળ ફાટ્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.

બીજી તરફ ઉત્તર પ્રદેશના લલિતપુરમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. રાજઘાટ ડેમના 8 અને મતાટીલા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે બેતવા નદીમાં પૂર આવ્યું છે. નદી કિનારે આવેલા ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે. અહીં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. કોલાર, બરગી, સાતપુરા સહિત અનેક ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે 29 જુલાઈએ 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.

દેશના અનેક ભાગોમાં વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. મધ્યપ્રદેશમાં બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં ભોપાલના કોલાર ડેમના 2 દરવાજા, બેતુલના સાતપુરા ડેમના 7 દરવાજા અને રાજગઢના મોહનપુરા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. યુપીના લલિતપુર ખાતેના ગોવિંદ સાગર ડેમના અત્યાર સુધીમાં 16 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 4 ગેટ રવિવારે જ ખોલવામાં આવ્યા હતા.

ક્યાં અતિ ભારે અને ક્યાં ભારે વરસાદનું એલર્ટ
અતિ ભારે વરસાદ (2 રાજ્યો): ગુજરાત, રાજસ્થાન.

ભારે વરસાદ (13 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો): મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર.

 

Related News