logo

header-ad

આ નેતાઓને ટિકિટ નહીં આપીને પક્ષોને પસ્તાવાનો વારો આવ્યો, અપક્ષમાંથી જીતી ગયા

  • Published By : Jago News
  • Updated on : 2022-12-08 17:24:34

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપે ઘણા નેતાઓની ટીકિટ કાપી નાંખી હતી. ત્યાર બાદ કેટલાક નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે અપક્ષ લડી રહેલા બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બીજા તબક્કાના મતદાન પહેલાં કહ્યું હતું કે, પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા ભલે અપક્ષમાંથી જીતી જાય તો પણ તેમને પક્ષમાં પાછા લેવામાં નહીં આવે. આ જ વાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ કરી હતી. ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ત્રણ બળવાખોર નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી ગયાં છે. હવે આ જીતેલા નેતાઓને ભાજપ પક્ષમાં પાછા લેશે કે નહીં એ તો સમય બતાવશે. 

ભાજપે સસ્પેન્ડ કરેલા બળવાખોરોમાંથી ત્રણ નેતાઓ અપક્ષમાંથી જીતી ગયાં
ભાજપે પાદરાથી દિનેશ પટેલ, વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ, બાયડથી ધવલસિંહ ઝાલા અને ધાનેરાથી માવજીભાઈ દેસાઈની ટીકિટ કાપી હતી. આ સિવાય પણ કેટલાક નેતાઓ અપક્ષમાંથી ચૂંટંણી લડ્યાં હતાં.  પરંતુ પરિણામમાં મોટો અપસેટ સર્જાયો હતો. જેમાં ધાનેરા, બાયડ અને વાઘોડિયા બેઠક પરથી ભાજપના ત્રણેય બળવાખોર નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી ગયાં હતાં. હવે આ ત્રણેય નેતાઓને ભાજપ પક્ષમાં લેશે કે નહીં કે અંગે પક્ષમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તે ઉપરાંત ભાજપના દબંગ ગણાતા ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે પણ ટીકિટ કપાતા ખુલ્લેઆમ બળવો કર્યો હતો. તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ આ બેઠક પરથી અપક્ષમાંથી જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી જીતી ગયાં હતાં. 

કોંગ્રેસના દિગ્ગજો હારી જતાં અપસેટ સર્જાયો
કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ, સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ પાદરા અને વાઘોડિયા જેવી બેઠકો પર પણ મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ભાજપે ટીકિટ નહીં આપતા અપક્ષમાં ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ પાદરા બેઠક પર ભાજપની જીત થઈ છે અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જીતી ગયાં છે. 

કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીમાંથી કાંધલ જાડેજાની જીત
કોંગ્રેસ અને NCP વચ્ચે ચાર બેઠકો પર ગઠબંધન થયું હતું. જેમાં ઉમરેઠ, દેવગઢ બારીયા, દાહોદ અને નારોલ બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો નહોતા ઉભા રાખ્યા. ત્યારે એનસીપીએ કુતિયાણા અને ગોંડલ બેઠકને ગઠબંધનમાં સામેલ નહોતી કરી. ફોર્મ ભરવાના આખરી સમયે જ કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. તેમણે કુતિયાણા બેઠક પર જીત મળવી લીધી છે. 

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું
એક તરફ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી હારી ગયાં છે અને વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરનો વિજય થતાં રાજકીય પંડિતોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ભાજપની વિરોધમાં લહેર હતી પરંતુ ભાજપના ધુંવાધાર પ્રચાર અને વડાપ્રધાનના સતત પ્રચારને લીધે ભાજપે આ વખતે જંગી જીત મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે. 

ભાજપના જવાહર ચાવડા આ વખતે હારી ગયાં
બીજી તરફ માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા આ વખતે હારી ગયાં છે. આ બેઠક પર કોંગ્રેસના અરવિંદ લાડાણી જીત્યાં છે. જ્યારે જામ જોધપુર બેઠક પર પણ મોટો અપસેટ સર્જાયો છે. જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંત આહિર જીત્યાં છે. જ્યારે ઉત્તર ગુજરાતની ધાનેરા બેઠક પર પણ અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. બોરસદ બેઠક પર ભારત દેશની આઝાદી બાદ આ વખતે ભાજપને જીત મળી છે. 

 

Related News