U19 વર્લ્ડકપ ફાઈનલમાં 'ભારતવંશી' જ ભારતીયોને ભારે પડ્યો, ઓસ્ટ્રેલિયાની જીતનો નાખ્યો હતો પાયો
- Published By : Jago News
- Updated on : 2024-02-12 18:08:34
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રને હરાવ્યું હતું. આ સાથે ફરી એકવાર ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ટાઈટલ જીતવાથી ચૂકી ગઈ હતી. જો કે અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પર એક 'ભારતવંશી' જ ભારે પડ્યો હતો. આ ભારતવંશીનું નામ હરજસ સિંહ છે.
હરજસે ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડ્યું
હરજસ સિંહે સમગ્ર વિશ્વ કપ દરમિયાન અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું. ફાઈનલ પહેલા 6 મેચમાં હરજસના નામે માત્ર 49 રન હતા, પરંતુ ઓસ્ટ્રેલિયન મેનેજમેન્ટને તેના પર પૂરો વિશ્વાસ હતો. ફાઈનલમાં પણ કેપ્ટન અને મેનેજમેન્ટે તેને પ્લેઈંગ-11માં સામેલ કર્યો હતો. આ વખતે હરજસે પોતાની ટીમને નિરાશ ન કરી અને ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું હતું.
હરજસે ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો
ઓસ્ટ્રેલિયાએ 23મી ઓવરમાં 100 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ 200 સુધી પણ પહોંચી શકશે નહીં, પરંતુ ત્યારબાદ ભારતીય મૂળનો હરજસ સિંહ એક્શનમાં આવ્યો. હરજસે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 55 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. હરજસની આ ઇનિંગે ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો હતો.
હરજસે ઓસ્ટ્રેલિયાને 200 રન સુધી પહોંચાવ્યું
હરજસે રેયાન હિક્સ સાથે મળીને ચોથી વિકેટ મળે 66 રનની ભાગીદારી કરી હતી. હરજસ જયારે પવેલિયન પરત ફર્યો ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કોર 200 રનની નજીક હતો. હરજસની ફિફ્ટીની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા.
ભારતના 7 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ ન પહોંચી શક્યા
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 253 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જો કે અંડર-19 વર્લ્ડકપના ઈતિહાસમાં ફાઇનલમાં આ સૌથી વધુ સ્કોર હતો. જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના 7 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. ઓપનર આદર્શ સિંહે સૌથી વધુ 47 રનની ઇનિંગ રમી અને આઠમા નંબરના મુરુગન અભિષેકે 42 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મહલી બિયર્ડમેન અને રાફ મેકમિલને 3-3 વિકેટ ઝડપી હતી.