logo

header-ad

ભારતમાં ફેસબુક બની ચૂકી છે ‘ફેકબુક’, કંપનીના આંતરિક રિપોર્ટમાં જ પર્દાફાશ

  • Published By : Jago News
  • Updated on : 2021-10-25 11:00:15

આમ તો ફેસબુક પર આખી દુનિયામાં ખોટા સમાચારો અને ભડકાઉ કન્ટેન્ટ સામે આંખ આડા કાન કરવાના આરોપ લાગી ચૂક્યા છે. પરંતુ ભારતમાં તો આ પ્લેટફોર્મ જાણે ફેકબુકજ બની ગયું છે. આ વાત બીજા કોઈએ નથી કહી પણ ફેસબુકના જ ડઝનેક આંતરિક રિપોર્ટમાં તેનો પર્દાફાશ થઈ ગયો છે. આ એનાલિસિસ પણ ફેસબુકના કર્મચારીઓ અને સંશોધકોએ જ કરેલું છે. મીડિયા હાઉસના એક વૈશ્વિક જૂથે ફેસબુક પેપર્સનામે આ તમામ માહિતી જાહેર કરી દીધી છે. આ જૂથમાં ધ ન્યૂયોર્ક ટાઈમ્સપણ સામેલ છે. ફેસબુકના પૂર્વ પ્રોડક્ટ મેનેજર ફાંસેસ હૉજેને આ દસ્તાવેજો ભેગા કર્યા છે. તેના આધારે તેઓ સતત ફેસબુકના વર્ક કલ્ચર, આંતરિક ખામીઓ વગેરેને લગતા ખુલાસા કરી રહ્યાં છે.

તેમણે જાહેર કરેલા ફેસબુક પેપર્સપ્રમાણે, ભારતમાં નકલી એકાઉન્ટ્સથી ખોટા સમાચારો ફેલાવીને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરાય છે. તેની સંપૂર્ણ માહિતી ફેસબુક પાસે છે, પરંતુ તેણે એવી સિસ્ટમ જ નથી બનાવી કે, તે આ ગરબડોને રોકી શકે. આ પ્રકારનું કન્ટેન્ટ રોકવા કંપનીએ જેટલું બજેટ નક્કી કર્યું છે, તેનો 87% ખર્ચ એકલા અમેરિકામાં થાય છે. ફેસબુકના પ્રવક્તા એન્ડી સ્ટોન પણ કહે છે કે, ‘ફેસબુકની મદદથી ભારતમાં કોઈ ચોક્કસ ધર્મના લોકો કે સમાજ વિરુદ્ધ દુષ્પ્રચાર થઈ રહ્યો છે. તેને કાબુમાં લેવા અમે હાઈટેક સિસ્ટમ બનાવી રહ્યા છીએ.

ભારતીય ભાષા, સંસ્કૃતિ અને રાજકારણની પણ સમજ નથી
ફેસબુકે ભારતમાં આવતા પહેલા અહીંની 22 માન્યતા પ્રાપ્ત ભાષાઓને સમજવા ખાસ કોઈ પ્રયાસ નહોતા કર્યા. અહીંની સંસ્કૃતિ અને રાજકારણ વિશે પણ તેઓ ખાસ કંઈ જાણતા નથી. કંપની એ પણ પૂર્વાનુમાન નથી કરી શકી કે, ભારત જેવા મોટા દેશમાં કરોડો યુઝર્સ (હાલ 34 કરોડ)ને તે કેવી રીતે સંભાળશે. તેના માટે કેવા સ્રોતો અને ભંડોળની જરૂર પડશે. આ કારણથી ભારતમાં ફેસબુકની છબિ ખરડાઈ છે, જે બચાવવા હવે તેઓ હવાતિયા મારી રહ્યા છે.

ફેસબુક બધુ જાણે છે, પરંતુ કાર્યવાહીથી ડરે છે
ફેસબુકને ભારતમાં પ્રચારિત, પ્રસારિત અને વાંધાજનક સામગ્રી વિશે સંપૂર્ણ માહિતી છે. પરંતુ તે આ બધુ કરતા સંગઠનો, જૂથો સામે કાર્યવાહી કરવાથી ડરે છે. કારણ કે, આવા મોટા ભાગના એકાઉન્ટ કે પેજ રાજકીય છે. ઉદાહરણ તરીકે, એક રિપોર્ટ પ્રમાણે ધર્મના આધારે બનેલા અમુક સંગઠનો તરફથી મૂકાતા કન્ટેન્ટ પર લાંબા સમયથી નજર રખાઈ રહી છે. ફેસબુકે તેને ખતરનાક સંગઠનની કેટેગરીમાં મૂકવાની તૈયારી કરી છે, પરંતુ આ દિશામાં હજુ સુધી તેણે કશું કર્યું નથી.

·         ફેસબુકના એક આંતરિક દસ્તાવેજનું શીર્ષક, ‘એડવર્સેરિયલ હાર્મફૂલ નેટવર્ક્સ: ઈન્ડિયા કેસ સ્ટડીછે. તેમાં લખ્યું છે કે, ભારતમાં એવા અનેક ફેસબુક પેજ છે, જેના પર ભડકાઉ કન્ટેન્ટ પોસ્ટ કરાય છે. તેમાં ચોક્કસ ધર્મ, સમાજના લોકો વિરુદ્ધ નિવેદનબાજી, પ્રચાર સામગ્રી વગેરે હોય છે. તે સમાજની તુલના જાનવરો સાથે પણ કરાય છે. એક ધર્મ સાથે સંકળાયેલા કન્ટેન્ટથી પણ દુષ્પ્રચાર કરાય છે. એટલું જ નહીં, તેમાં બીજા ધર્મના લોકો પર અત્યાચાર કરવા તેમજ તેમની મહિલાઓ સાથે દુષ્કર્મ કરવાના સૂચનો કરાય છે.

·         ફેસબુક પર ભારતમાં આવા એકાઉન્ટની બોલબાલા છે, જેના પેજ પર પશ્ચિમ બંગાળ અને પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારોમાં વધતી મુસ્લિમ વસતીનો મુદ્દો પણ જોરશોરથી ઊઠાવાય છે. તેઓ દેશમાં ગેરકાયદે રહેતા મુસ્લિમોને બહાર કાઢવાની વાત કરતા હોય છે.

·         અન્ય એક રિપોર્ટ ઈન્ડિયન ઈલેક્શન કેસ સ્ટડીનામે તૈયાર કરાયો છે. તેમાં કહેવાયું છે કે, પશ્ચિમ બંગાળ સંબંધિત 40%થી વધુ એકાઉન્ટ નકલી હતા. તેમાંથી એક એકાઉન્ટ પર તો 3 કરોડથી વધુ લોકો કોઈને કોઈ રીતે તેમાં જોડાયેલા હતા. માર્ચ 2021ના અન્ય એક રિપોર્ટમાં ફેસબુકને અનેક નકલી એકાઉન્ટ વિશે જાણ થઈ ગઈ હતી, પરંતુ તેણે તે હટાવ્યા ન હતા.

 

Related News