logo

header-ad

ન્યૂઝીલેન્ડ સામે 'વિરાટ' પડકાર:ઘરઆંગણે વિરાટની કેપ્ટનશિપમાં ઈન્ડિયાને હરાવવું લગભગ અશક્ય; 7 વર્ષમાં માત્ર 2 હાર, 23 મેચ જીતી

  • Published By : Jago News
  • Updated on : 2021-12-02 13:32:23

ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી 3 ડિસેમ્બરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી રહ્યો છે. કોહલીએ 30 ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને એમાથી ટીમે 23 મેચ જીતી છે. આ સાથે જ 5 મેચ ડ્રો રહી છે. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ભારતમાં માત્ર 2 વખત હારી છે. હવે આવતીકાલ, એટલે કે ત્રીજી ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમાશે, એમાં કોહલીના પ્રદર્શન પર દરેકની નજર રહેશે.

2014માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર આ દિગ્ગજ ખેલાડીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઘરઆંગણે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ભૂમિ પર ટીમ ઈન્ડિયાને હરાવવી એ વિદેશી ટીમો માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન બની ગયું છે. ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર્યા હતા.

વિરાટ અત્યારસુધી 65 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે
2014
થી અત્યાર સુધી વિરાટે ભારત માટે 65 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન ટીમે 38 મેચ જીતી છે અને 16 મેચ હારી છે, 11 મેચ ડ્રો રહી છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં જીતેલી મેચ ડ્રો રહી હતી. કોહલી 3 ડિસેમ્બરથી કિવી વિરુદ્ધ બીજી ટેસ્ટમાં વાપસી કરી રહ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા નવી ઊર્જા સાથે મેદાનમાં ઊતરશે. એ જ સમયે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ કોહલીની આ પ્રથમ મેચ હશે.

કેપ્ટન બન્યા બાદ વિરાટનો અંદાજ બદલાયો
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનતાં પહેલાં વિરાટે ભારત માટે 31 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 2098 રન બનાવ્યા હતા અને એની એવરેજ 41.13 હતી. 2011થી 2014 સુધીમાં તેણે ટેસ્ટ મેચમાં 7 સદી ફટકારી હતી.

એ જ સમયે કેપ્ટન બન્યા પછી કોહલીએ 65 મેચ રમી છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 56.10 થઈ ગઈ છે. તેણે કેપ્ટન તરીકે 5667 રન બનાવ્યા છે. કેપ્ટન બન્યા બાદ કોહલીએ ટેસ્ટ મેચમાં 20 સદી ફટકારી છે.

2021માં વિરાટ ફોર્મમાં નથી
કોહલીએ 2021માં 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે 29.80ની એવરેજથી માત્ર 447 રન બનાવ્યા છે. તેને ટેસ્ટમાં સદી ફટકાર્યાને બે વર્ષ થઈ ગયાં છે.
તેણે તેની છેલ્લી ટેસ્ટ સદી બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં ફટકારી હતી. એ સમયે કોલકાતા ટેસ્ટમાં કેપ્ટન કોહલીએ 136 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાએ ઈનિંગ અને 46 રનથી મેચ જીતી લીધી હતી.

 

Related News