ગુજરાતનું ભવિષ્ય 'કુપોષિત', 5 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર, વિધાનસભામાં રજૂ કરાયા આંકડા
- Published By : Jago News
- Updated on : 2024-02-07 16:43:05
વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના પાંચ લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે. ચાર જિલ્લામાં બાળકોની કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો નોંધાયા છે.
ગુજરાતના કુપોષિત બાળકોના આંકડા ચોંકાવનારા
ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરુ થયુ છે. ત્યારે આજે ગૃહમાં ગુજરાતમાં કુપોષિત બાળકો અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. આ રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના 5 લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે. જેમાંથી અતિ ઓછા વજનવાળા એક લાખ 18 હજાર 104 કુપોષિત બાળકો છે.
સૌથી વધુ દાહોદમાં જ્યારે સૌથી ઓછા નવસારીમાં કુપોષિત બાળકો
રાજ્યમાં સૌથી વધુ 51 હજાર 321 કુપોષિત બાળકો દાહોદમાં નોંધાયા છે. રાજ્યના ચાર જિલ્લામાં કુપોષણના 16069 બાળકો વધ્યા છે. નવસારીમાં 1548 કુપોષિત બાળકો નોંધાયા છે જે રાજ્યમાં સૌથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં 3516 કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓમાં 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 97 હજાર 840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે.