GST : ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર સરકારની તવાઈ ! એક લાખ કરોડ રૂપિયાની નોટિસ મોકલાઈ હોવાનો દાવો
- Published By : Jago News
- Updated on : 2023-10-25 18:50:00
નવી દિલ્હી: દેશમાં ઓનલાઈન ગેમિંગ (Online Gaming) કંપનીઓ પર સરકારે તવાઈ શરૂ કરી દીધી છે. GST અધિકારીઓએ કંપનીઓને અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે, તેમ સૂત્રોએ દાવો કર્યો છે. જોકે એક અધિકારીએ કહ્યું કે, એક ઓક્ટોબર બાદ ભારતમાં રજીસ્ટ્રેશન કરનારી વિદેશી ગેમિંગ કંપનીઓનો હાલ કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓનું ભારતમાં રજીસ્ટ્રેશન ફરજીયાત
સરકારે 1 ઓક્ટોબરે જીએસટી કાયદામાં સુધારો કર્યો હતો, જેમાં જીએસટી કાઉન્સિલે (GST Council) ભારતમાં વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દીધું છે. જીએસટી કાઉન્સિલે ઓગસ્ટમાં સ્પષ્ટ નિર્ણય કર્યો હતો કે, ઓનલાઈન ગેમિંગ પ્લેટફોમ પર ગેમ રમવા માટે લગાવાયેલ રકમ પર 28 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવામાં આવશે.
ગત મહિને પણ કેટલીક કંપનીઓને ફટકારાઈ હતી નોટિસ
અધિકારીએ કહ્યું કે, જીએસટી અધિકારીઓએ ઓનલાઈન ગેમિંગ કંપનીઓને અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. જીએસટી અધિકારીઓએ ગત મહિને ઓછી ચુકવણી મામલે ડ્રીમ11 જેવી ઓનલાઈન ગેમિંગ અને ડેલ્ટા કોર્પ જેવી કેસીનો કારણદર્શક નોટિસ ફટકારી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં 21000 કરોડ રૂપિયાની કથિત જીએસટી ચોરી મામલે ગેમ્સક્રાફ્ટને પણ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી.