ખુશખબર: EPFOએ વ્યાજદરમાં કર્યો વધારો, 6 કરોડ કર્મચારીઓને થશે ફાયદો
- Published By : Jago News
- Updated on : 2024-02-10 19:17:29
નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પીએફ પર મળતું નવું વ્યાજ દર નક્કી કરી લીધુ છે. પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે તેમના પીએફ નાણા પર 8.25%ના દરથી વ્યાજ મળશે. નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતાધારકોને પીએફ એકાઉન્ટમાં મૂકેલા પૈસા પર વધુ રિટર્ન મળશે. આ પહેલા પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ 2022-23માં 8.15%ના દરે અને 2021-22માં 8.10%ના દરે વ્યાજ મળતુ હતું. એનો અર્થ એ થયો કે, 2023-24 માટે પીએફ ખાતાધારકોને આખા વર્ષમાં પહેલાની તુલનામાં 0.10% વધુ વ્યાજ મળવા જઈ રહ્યું છે.
આજે CBTની બેઠક યોજાઈ રહી છે
જોકે, હજુ પીએફ પરના લેટેસ્ટ વ્યાજ દરનું સત્તાવાર એલાન કરવામાં નથી આવ્યું. નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતાધારકોને કયા દરે વ્યાજ મળશે તેનો નિર્ણય EPFOનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી કરે છે. EPFOના CBTની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે જેમાં પીએફ પર વ્યાજ અંગે નિર્ણય લેવામાં આવે તેવી આશા છે. શ્રમ મંત્રાલય દ્વારા પીએફ પર વ્યાજ દર વિશે બાદમાં સત્તાવાર માહિતી આપવામાં આવશે.
આ વાતનું લગાવવામાં આવી રહ્યું છે અનુમાન
આ EPFOના ટ્રસ્ટી બોર્ડની 235મી બેઠક છે. CBTની બેઠકના એજન્ડામાં વ્યાજદર સામેલ થવાની ઉમ્મીદ કરવામાં આવી રહી છે. એનાલિસ્ટ ઉમ્મીદ કરી રહ્યા છે કે, EPFO દ્વારા મોંઘવારી દર અને વ્યાજદરને ધ્યાનમાં રાખી પીએફ પર વ્યાજના દરમાં વધારો કરવામાં આવી શકે છે. જો આવું થાય તો આ નિર્ણયથી લાખો નોકરીયાત લોકોને ફાયદો થશે.
6 કરોડથી વધુ લોકોને થશે લાભ
હાલમાં EPFOના 6 કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે. વિશેષ કરીને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકો માટે EPFO પાસે જમા પૈસા સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી છે. પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓની સેલેરીમાંથી દર મહિને એક નક્કી ભાગ પીએફના નામ પર કપાય જાય છે. એમ્પ્લોયર દ્વારા પીએફમાં યોગદાન કરવામાં આવે છે. નોકરી ગુમાવવા, બાંધકામ અથવા મકાન ખરીદવા, લગ્ન, બાળકોના શિક્ષણ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓ પીએફના નાણાં ઉપાડી શકે છે.