Fighter Controversy: ઋતિક-દીપિકાના કિસિંગ સીન પર વિંગ કમાંડરે મોકલી લીગલ નોટિસ
- Published By : Jago News
- Updated on : 2024-02-06 19:47:54
ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ કાનૂની દાવ પેંચમાં ફસાઈ ગઈ છે. ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મમાં એરફોર્સના ફાઈટર પાયલટ્સની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મના એક સીનમાં ઋતિક અને દીપિકા એરફોર્સનો યુનિફોર્મ પહેરી એક-બીજાને કિસ કરતા નજર આવી રહ્યા છે. હવે ઈન્ડિયન એરફોર્સના આસામમાં પોસ્ટેડ વિંગ કમાંડર સૌમ્યદીપ દાસે આ સીન પર વાંધો ઉઠાવતા ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટરને નોટિસ મોકલી છે.
વિંગ કમાંડરે મોકલી નોટિસ
વિંગ કમાંડર સૌમ્યદીપ દાસનું કહેવું છે કે, કિસિંગ સીનમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણનું એરફોર્સના યુનિફોર્મનું અપમાન છે. તેમનું કહેવું છે કે, એરફોર્સનો યુનિફોર્મ માત્ર કાપડનો ટુકડો નથી પરંતુ તે આપણા દેશની રક્ષા માટે ત્યાગ, અનુશાસન અને અતૂટ સમર્પણની નિશાની છે. સીનમાં એક્ટર્સને ઈન્ડિયન એરફોર્સના સદસ્યના રૂપમાં જોઈ શકાય છે. તેમના દ્વારા યુનિફોર્મમાં આ હરકત કરવી અયોગ્ય છે.
નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે, એરફોર્સનો યુનિફોર્મ પહેરેલા ઓફિસરોનું આવી રીતે પબ્લિકમાં રોમાન્ટિક થવું એ માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નથી પરંતુ તેમના પાત્ર અને પ્રોફેશનલ વ્યવહારને પણ ખોટી રીતે દર્શાવે છે. એરફોર્સના જવાનો પર અનુશાસન અને મર્યાદાની આશા રાખવામાં આવે છે. આ સીન તેમને પોતાના યુનિફોર્મ અને ડ્યૂટી પ્રત્યે બેજવાબદાર અને અનાદરપૂર્ણ દર્શાવે છે.
પબ્લિકમાં માફી માંગો
વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે 'ફાઈટર'ના મેકર્સ પાસે આ સીન હટાવવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, મેકર્સે એરફોર્સ અને તેના જવાનોની દુનિયાની સામે માફી માંગવી જોઈએ. તેમનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓએ લેખિતમાં આપે કે, ભવિષ્યમાં તેઓ એર ફોર્સના જવાનો અને યુનિફોર્મનો આ રીતે અનાદર નહીં કરશે.
ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઈટર'ને ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે બનાવી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતીય બોક્સ ઓફિસ પર તેની કમાણી લગભગ 178 કરોડ રૂપિયા થઈ ગઈ છે.