logo

header-ad

ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા:એજન્ટો ઘરને કોર્ડન કરીને સર્ચ કરી રહ્યા; ટ્રમ્પે કહ્યું- તેઓ મને 2024ની ચૂંટણી લડતા અટકાવી રહ્યા છે

  • Published By : Jago News
  • Updated on : 2022-08-09 18:28:36

યુએસ તપાસ એજન્સી FBIએ પૂર્વ રાષ્ટ્રપતિના આલીશાન પામ હાઉસ અને રિસોર્ટ માર-એ-લિગો પર સોમવારે મોડી રાત્રે (ભારતમાં મંગળવારની શરૂઆતમાં) દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા FBI એજન્ટોએ ટ્રમ્પના ઘરને ઘેરી લીધું હતું અને તપાસ કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ દરોડાની પુષ્ટિ કરી છે. બીજી તરફ ટ્રમ્પનું કહેવું છે કે તેમને ચૂંટણી લડતા અટકાવવામાં આવી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું, 'ફ્લોરિડાના પામ બીચમાં મારું સુંદર ઘર માર-એ-લેગો, એફબીઆઈ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. અહીં તપાસ કરવામાં આવી રહી છે. FBI એજન્ટો અહીં છે."

જ્યારે મીડિયાએ એફબીઆઈના પ્રવક્તાને આ અંગે સવાલ પૂછ્યા તો તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

ટ્રમ્પે કહ્યું, આ મારા દેશ માટે આ કાળો સમય છે
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓ સાથે સહકાર હોવા છતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. તે કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સનો હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે હું 2024ની ચૂંટણી લડું.

ટ્રમ્પના બે નજીકના મિત્રોએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે આ દરોડો કોઈ નોટિસ વિના જ પાડવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ, જ્યારે એફબીઆઈ એજન્ટોએ માર-એ-લિગો પર દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા. કહેવામાં આવે છે કે તે હાલમાં ન્યુજર્સીમાં છે. અહીં તેઓ એક કેસના સંબંધમાં ગયા હતા. થોડા દિવસ પહેલા જ ટ્રમ્પ સામે 6 જાન્યુઆરીની હિંસાની તપાસ કરતી સંસદીય સમિતિએ કહ્યું હતું કે એફબીઆઈએ તેમની સામે તપાસ ઝડપી થવી જોઈએ.

ટ્રમ્પ પર વ્હાઇટ હાઉસમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો લઈ જવાનો આરોપ

અહેવાલો અનુસાર, ટ્રમ્પ જ્યારે ગત વર્ષે વ્હાઇટ હાઉસ છોડ્યું ત્યારે તેઓ પોતાની સાથે ઘણા દસ્તાવેજો લઈ ગયા હતા. જોકે, અત્યાર સુધી એફબીઆઈ દ્વારા આ આરોપની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એવું કહેવાય છે, ઘણા મોટા બોક્સમાં આ દસ્તાવેજોને માર-એ-લિગોમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારથી અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પ અને તેમના નજીકના મિત્રો પર નજર રાખી રહી હતી. આ દરોડા પણ આના સંબંધમાં જોવામાં આવી રહ્યા છે.

શૌચાલય ફ્લશ કરવા માટે વપરાતા હતા દસ્તાવેજો
થોડા મહિનાઓ પહેલા, ટ્રમ્પ પર આરોપ લાગ્યા હતા કે તેઓ રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડીને ફ્લશ કરતા હતા. ટ્રમ્પે એટલા બધા પેપર ફ્લશ કર્યા કે તેના કારણે વ્હાઇટ હાઉસનું ટોઇલેટ જામ થઈ ગયું હતુ. નેશનલ આર્કાઈવ ઈચ્છે છે કે પૂર્વ રાષ્ટ્રપતિની પેપર ફાડવાની ટેવની અન્ય બાબતોની સાથે તપાસ કરવામાં આવે.

ન્યૂયોર્ક ટાઈમ્સની પત્રકાર મેગી હેબરમેને તેના પુસ્તક 'કોન્ફિડન્સ મેન'માં આ બાબતની માહિતી આપી હતી. પુસ્તક મુજબ વ્હાઇટ હાઉસના સ્ટાફે તે જોયુ હતુ કે પેપરના કારણે ટોઇલેટ ભરાઈ ગયુ હતું. જે પછી તે માનવામાં આવ્યુ હતુ કે ટ્રમ્પે દસ્તાવેજો ફ્લશ કર્યા.

ટ્રમ્પ ચૂંટણી લડવા માંગે છે
ટ્રમ્પે અનેક અવસરો પર સ્પષ્ટતા કરી છે કે તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, તેમના રિપબ્લિકન પક્ષમાં તેમને પડકારવા માટે તેમના કદના અન્ય કોઈ નેતા નથી. જો કે, ગયા વર્ષે 6 જાન્યુઆરીએ હિંસા મામલે પણ તેમના પર ગંભીર આરોપો છે અને તેમને મહાભિયોગનો સામનો પણ કરવો પડ્યો છે.

Related News