અમદાવાદમાં ગરમી મામલે કોર્પોરેશન અને હવામાન વિભાગ અલગ-અલગ, કોર્પોરેશને રેડ અલર્ટ તો હવામાન વિભાગે યલો-ઓરેન્જ અલર્ટ આપ્યું
- Published By : Jago News
- Updated on : 2024-05-21 11:20:29
અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવતીકાલથી પાંચ દિવસ ગરમીને લઈને હવામાન
વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 45 ડિગ્રીથી વધુ ગરમી
શહેરમાં પડશે જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા
શહેરીજનોને બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવાની સૂચના આપી છે. મ્યુનિસિપલ
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે 45 ડિગ્રી આસપાસ તાપમાન
રહેવાનું હોવાને લઈને નાના બાળકો, સગર્ભા અને વૃદ્ધોએ બપોરના સમયે બહાર નીકળવું નહીં. બપોરના
સમયે કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરો કામ કરતા હોય તે કામગીરી બંધ કરવામાં આવશે. પાણીની
પરબો અને છાશ વિતરણ વગેરે એનજીઓની સંસ્થાની મદદથી કરવામાં આવી રહી છે મોડી રાત
સુધી ગાર્ડનનો પણ ખુલ્લા રહેશે.
અમદાવાદમાં પાંચ દિવસ
રેડ એલર્ટ જાહેર
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 45 ડિગ્રી તાપમાન હોવાને
લઈને જે નાગરિકો બહારનું કામ કરતા હોય છે. તેમણે બપોરના સમયે છાંયડામાં રહેવું
જેથી વધારે ગરમીનો સામનો ઓછો કરવો પડે. જે નાગરિકો મુસાફરી કરે છે તેમણે પોતાની
મુસાફરી દરમિયાન ટોપી દુપટ્ટો અથવા સુતરાઉ કાપડ નો ઉપયોગ કરવો હિતાવહ રહેશે જો
ગરમીને લઈને કોઈ પણ લક્ષણો જણાય તો આરામ કરવો અને વધારે તકલીફ હોય તો તાત્કાલિક
ધોરણે ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.
અમદાવાદનું છેલ્લા પાંચ દિવસનું તાપમાન 44 થી 45 ડિગ્રી
ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા
તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. હજુ પણ આગામી
પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના નિવાસીઓને ગરમીથી રાહત મળે તેવી સંભાવના નથી. આ
ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની શક્યતાઓ
દર્શાવવામાં આવી છે. મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ પણ
જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વોર્મ નાઇટની
પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહત્વનું છે કે,
છેલ્લા 5 દિવસમાં ગરમીએ ગુજરાતીઓને બૂમરાડ પડાવી છે. અમદાવાદનું છેલ્લા પાંચ દિવસનું
તાપમાન 44 થી 45
ડિગ્રી રહ્યું હતું. હજુ આગામી પાંચ દિવસ હીટવેવની
શક્યતા છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ
આજે ગુજરાત રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ,
સુરત, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર
કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં યલો
એલર્ટ જાહેર કર્યું છે. આ તમામ શહેરોમાં હીટવેટની અસર રહેશે. આગામી 2 રાત્રિ દરમિયાન વોર્મ નાઇટની
પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ,
વડોદરા અને ભાવનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન પણ અસહ્ય
ગરમીનો અહેસાસ થશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમભેજ યુક્ત પવન રહેતા
અકળામણ રહેશે.