logo

header-ad

MP ભાજપના પ્રભારીનું વિવાદાસ્પદ નિવેદન:મુરલીધરે કહ્યું- અમારા એક ખિસ્સામાં બ્રાહ્મણ, બીજામાં વાણિયા; કમલનાથે જણાવ્યું- સત્તાનું અભિમાન બોલી રહ્યું છે

  • Published By : Jago News
  • Updated on : 2021-11-09 10:39:28

મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રભારી પી. મુરલીધર રાવના એક નિવેદન પર બબાલ ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે અમારા એક ખિસ્સામાં બ્રાહ્મણ અને બીજામાં વાણિયા છે. જોકે તેમણે બાદમાં વાતને થાળે પાડવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે જ્યારે ભાજપમાં બ્રાહ્મણ નેતા હતા ત્યારે મીડિયા ભાજપને બ્રાહ્મણની પાર્ટી ગણાવતી હતી.

જ્યારે વાણિયા નેતા સામેલ થયા તો વાણિયાની પાર્ટી તરીકેની ઓળખ ઊભી થઈ, પરંતુ અમે (ભાજપે) રૂટ નથી બદલ્યો. આવનારા સમયમાં પાર્ટી અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC-ST) અને ઓબીસી વર્ગ પર ફોકસ કરશે. તો પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મુરલીધરના આ નિવેદન પર પ્રહારો કર્યા છે. કમલનાથે કહ્યું હતું કે ભાજપના નેતા સત્તાના નશામાં ચૂર થઈ ગયા છે.

મુરલીધર રાવને સવાલ કરવામાં આવ્યો હતો કે ભાજપ એક સમયે બ્રાહ્મણ-વાણિયાની પાર્ટી હતી તો ક્યારેક SC-ST અને OBCની પાર્ટી આવું કેમ? વિકાસની વાત કરો છો, પરંતુ માત્ર જાતિના નામે જ વોટ કેમ માગવામાં આવે છે?

આ સવાલ પર મુરલીધર રાવે જવાબ આપ્યો કે મારા એક ખિસ્સામાં બ્રાહ્મણ છે, જ્યારે બીજામાં વાણિયા છે. પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ સાંભળો... મારી વોટ બેંકમાં, મારા કાર્યકર્તાઓમાં અને મારા નેતાઓમાં બ્રાહ્મણ રહ્યા છે, બ્રાહ્મણની પાર્ટી કહેવાતી. જ્યારે વાણિયા રહ્યા તો એ રીતે ઓળખાવા લાગી. તેમણે વધુમાં કહ્યું- પાર્ટી બધા માટે છે, પરંતુ મારી પાસે એ સમયે અમુક વર્ગના લોકો વધુ હતા, ત્યારે તમે કહેતા હતા કે આ પાર્ટી તમારી છે. અમે અમારી પાર્ટી બધા લોકો બની રહે એ દિશામાં કામ કરીએ છીએ.

પેટાચૂંટણીમાં જીત સત્તા-સંગઠનના સમન્વયને કારણે
મુરલીધર રાવે કહ્યું હતું કે પેટાચૂંટણીમાં સરકાર અને સંગઠને સમન્વયની સાથે કામ કર્યું. રાવે પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માની પ્રશંસા કરી. તેમણે કહ્યું હતું કે ધારણા મુજબ પેટાચૂંટણી સરળ ન હતી, પરંતુ પડકારજનક રહી છતાં જોબટ અને પૃથ્વીપુર વિધાનસભામાં રેકોર્ડ જીત મેળવી. તેમણે કહ્યું હતું કે એક સમયે કોંગ્રેસ પંચાયતથી સંસદ સુધી મજબૂતી હતી, હવે ભાજપ વધુ મજબૂત છે. અમારું લક્ષ્ય આવનારા સમયમાં ભાજપને 50%થી વધુ વોટ રહે એના પર છે.

કમલનાથે કહ્યું- ઉચ્ચ વર્ગનું અપમાન કર્યું છે, માફી માગો
મુરલીધર રાવનું નિવેદન સામે આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે ભાજપના નેતા સત્તાના નશા તેમજ અભિમાનમાં ચૂર થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- આ છે ભાજપના મધ્યપ્રદેશના પ્રભારી મુરલીધર રાવ, જેઓ કહી રહ્યા છે કે મારા એક ખિસ્સામાં બ્રાહ્મણ છે અને બીજા ખિસ્સામાં વાણિયા.

જે વર્ગના નેતાઓએ ભાજપને સત્તામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે તે લોકોનું આ કેવું સન્માન? આ પ્રભારી એ પહેલાં ભાજપના ચાર-પાંચ વખતના સાંસદ-ધારાસભ્યોને નાલાયક પણ કહી ચૂક્યા છે. તેમના પૂર્વ પ્રોટેમ સ્પીકર ક્ષત્રિય સમાજનું અપમાન કરી ચૂક્યા છે. તેમણે આ બંને વર્ગની માફી માગવી જોઈએ.

 

Related News