logo

header-ad

22 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ:સવારે 6:23 વાગ્યે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત; નવ દિવસમાં પૂજા-પાઠ સાથે આ નિયમોનું પણ પાલન કરવું

  • Published By : Jago News
  • Updated on : 2023-03-20 18:40:41

ચૈત્ર નવરાત્રિની શરૂઆત બુધવાર, 22 માર્ચ 2023થી થઈ રહી છે. આ દિવસે જ ચૈત્ર મહિનાના પહેલા શુક્લ પક્ષની તિથિ એટલે હિંદુ નવવર્ષની પણ શરૂઆત થશે. નવરાત્રિનો તહેવાર 22 માર્ચના રોજ શરૂ થશે અને 30 માર્ચ સુધી ચાલશે. હિંદુ ધર્મમાં નવરાત્રિના નવ દિવસનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસોમાં દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે અને વ્રત કરવા માટે આ દિવસોમાં કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. આ વ્રતની સાથે તેના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે તો જ દેવી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તો ચાલો... જ્યોતિષાચાર્ય મુજબ આ નવરાત્રિ દરમિયાન કયા કયા નિયમોનું પાલન કરવુ જોઈએ? એના વિશે જાણીએ.

નવરાત્રિ દરમિયાન આ વાતોનું વિશેષ ધ્યાન રાખો

·         ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરની સાફ-સફાઈ યોગ્ય રીતે કરવી જોઈએ. ઘરની સાફ-સફાઈ થઈ જાય એટલે પછી મુખ્યદ્વાર પર આંબા કે અશોકનાં પાન લગાવવાં જોઈએ.

·         નવરાત્રિ પર ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી પણ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવીને ઘરના દરવાજા પર કુમકુમથી શુભ-લાભ લખો.

·         નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજાસ્થળ પર માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરો. ત્યાર બાદ વિધિવત્ પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

·         પૂજા દરમિયાન ઊનના આસન પર બેસો અને જો ઊનનું આસન ઘરમાં ન હોય તો લાલ રજાઈનો પણ ઉપયોગ કરી શકો.

·         નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમારે લસણ, ડુંગળી, માંસ, દારૂ, ઈંડાં વગેરે વસ્તુઓનું સેવન કરવું નહિ અને વ્રત કરનારા લોકોએ તો આ વસ્તુઓથી પણ દૂર રહેવું.

·         નવરાત્રિના નવ દિવસ સાત્ત્વક ભોજનનું જ સેવન કરવું જોઈએ. વ્રત કરનારા લોકોએ ભોજન કે ફળાહાર પણ કરવું જોઈએ. ફળાહાર કરવું એ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.

·         નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. નવરાત્રિના નવ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં નખ અને વાળ પણ કાપવા જોઈએ નહીં.

કળશની સ્થાપના કેવી રીતે કરવી?

·         કળશની સ્થાપના કરવા માટે સૌથી પહેલા વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને સાફ કપડાં પહેરવાં. મંદિરની સાફ-સફાઈ કરીને તેની નીચે સફેદ કે લાલ રંગનું કપડું પાથરો. આ કપડા પર થોડા ચોખા રાખો. એક માટીના પાત્રમાં જવ વાવી દો. આ પાત્ર પર પાણીથી ભરેલા કળશની સ્થાપના કરો. કળશ પર સ્વસ્તિક બનાવીને તેના પર કલાવા બાંધો.

·         કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત ઉમેરીને અશોકનાં પાન રાખો. એક શ્રીફળ લો અને એના પર ચૂંદડી ઓઢાડીને કલાવા બાંધી લો. આ શ્રીફળને કળશની ઉપર રાખીને દેવી દુર્ગા માતાનું આવાહન કરો. એ પછી દીવડો પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિમાં દેવીની પૂજા માટે સોનું, ચાંદી, તાંબું, પિત્તળ કે માટીનો કળશ સ્થાપિત કરવામાં આવી શકે છે.

ચૈત્ર નવરાત્રિ પૂજન માટે પૂજાની સામગ્રીનું લિસ્ટ
માતા દુર્ગાનો ફોટો, સિંદૂર, કેસર, કપૂર, ધૂપ, વસ્ત્રો, અરીસો, કાંસકો, બંગડીઓ, સુગંધિત તેલ, ચોકી માટે લાલ કપડું, પાણીવાળું શ્રીફળ, દુર્ગાસપ્તશતી બુક, આંબાનાં પાંદડાંનું તોરણ, ફૂલ, દુર્વા, મહેંદી, બિંદી, આખી સોપારી, હળદરની ગાંઠ, આસન, પાંચ મેવા, ઘી, લોબાન, ગૂગળ, લવિંગ, કમલગટ્ટા, સોપારી, કપૂર, હવનકુંડ, રોલી, મોલી, પુષ્પહાર, બીલીપત્ર, કમલગટ્ટા, દીવડો, નૈવેદ્ય, મધ, સાકર, પંચમેવા, જાયફળ, લાલ રંગની બંગડીઓ, ફળ, મીઠાઈ, દુર્ગા ચાલીસા અને આરતીની બુક વગેરે.

દેવીને કેવા ભોગ ધરાવશો?
દેવીનું પૂજન, અર્ચન, ઉપાસના, સાધના કરવાથી તથા ભોગ ધરાવવા અને દાન કરવાથી આ લોક અને પરલોક બંને સુખ આપનારા બને છે.

પ્રતિપદા : આ દિવસે દેવીનું ષોડ્શોપચારે પૂજન કરીને નૈવેદ્ય તરીકે દેવીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. માનાં ચરણોમાં ધરાવેલું ઘી પછીથી બ્રાહ્મણોને વહેંચી દેવાથી વિવિધ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.
બીજ : દેવીને ખાંડનો ભોગ ધરાવવો અને એનું દાન કરી દેવું. એનાથી વ્યક્તિ દીર્ઘજીવી બને છે.
ત્રીજ : આ દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવવો. પછી એનું ગરીબ વ્યક્તિને દાન કરી દેવું જોઈએ. દેવીને દૂધનો ભોગ ધરાવવાથી વ્યક્તિનાં સમસ્ત દુ:ખો દૂર થાય છે.
ચોથ : દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને એનું ગરીબ વ્યક્તિને દાન કરવું. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની વિપત્તિઓનો નાશ થાય છે.
પાંચમ : આ દિવસે દેવીને કેળાંનો ભોગ ધરાવવો. ત્યાર બાદ એનું ગરીબ વ્યક્તિને દાન કરવું. દેવીને કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ, વિવેકનો વિકાસ થાય છે. પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
છઠ્ઠ : દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને એનું ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. મધુનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
સાતમ : આ દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો. ત્યાર બાદ તેનું યોગ્ય પાત્રને દાન કરવું જોઈએ. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.
આઠમ : આ દિવસે દેવીને શ્રીફળ (નાળિયેર)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.
નોમ : આ દિવસે દેવીને વિવિધ પ્રકારનાં ધાન્યમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. દેવીને વિવિધ ધાન્યોની વાનગીઓનો ભોગ ધરાવવાથી વ્યક્તિના આ લોક અને પરલોક પણ સુધરે છે.

 

Related News