ઓટો સેક્ટરમાં મજબૂત ગ્રોથ યથાવત્ કારનું વેચાણ જૂનમાં સરેરાશ 4% વધ્યું
- Published By : Jago News
- Updated on : 2024-07-02 12:10:00
નવી દિલ્લી: ગરમી છતાં વેચાણ વધવાની
આશાએ ગત મહિને કાર ડીલર્સે વાહન નિર્માતાઓ પાસેથી ખરીદી વધારી હતી. આ વૃદ્ધિમાં
મુખ્યત્વે મલ્ટી પર્પઝ વ્હીકલ અને યુટિલિટી વ્હીકલ્સના વેચાણનો મુખ્ય હિસ્સો રહ્યો
હતો. કાર કંપનીઓ દ્વારા સોમવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર ટોયોટા કિર્લોસ્કર
મોટર્સે અત્યાર સુધીનું સર્વાધિક માસિક વેચાણ નોંધાવ્યું છે. ગત મહિને ટોયોટાએ 41.20%ના વાર્ષિક ગ્રોથની
સાથે 25,752 કારનું વેચાણ નોંધાવ્યું હતું. જૂન 2023માં આ આંકડો 18,237 હતો.
ટોયોટા કિર્લોસ્કરના સેલ્સ-સર્વિસ ડિવીઝનના વાઇસ પ્રેસિડેન્ટ સબરી મનોહર અનુસાર એકંદરે, એસયુવી અને એમપીવી સેગમેન્ટનું આ વર્ષે વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. મલ્ટીપર્પઝ અને યુટિલિટી વ્હીકલ્સ પ્રત્યે ગ્રાહકોની રૂચિ તેજીથી વધી રહી છે. મારુતિ સુઝુકીનું વેચાણ પણ 3.10% વધ્યું હતું પરંતુ તેમાં પણ એસયુવીના વેચાણનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. જેએસડબ્લ્યુ એમજીએ વિક્રમી માસિક ઝેડએસ ઈવી રિટેલ વેચાણ હાંસલ કર્યું. જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ જૂન 2024માં 4644 યુનિટના રિટેલ વેચાણ નોંધાવ્યું છે. એસયુવી-ઝેડએસ ઈવીએ જૂન 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ હાંસલ કર્યું છે.
ઇવીનું વેચાણ 3.34% વધ્યું, મેની તુલનાએ 14.25%નો ઘટાડો
જૂનમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ વાર્ષિક સ્તરે 3.34% વધ્યું છે. વાહનના ડેટા
અનુસાર જૂન 2024માં 1,06,081 ઇવીનું વેચાણ થયું હતું જ્યારે જૂન 2023માં 1,02,645 ઇવીનું વેચાણ થયું
હતું. મેમાં 1,23,704 ઇવીનું વેચાણ નોંધાયું હતું, જે જૂનથી અંદાજે 14.25% વધુ હતું. આ વર્ષે પણ
અત્યાર સુધી 8,39,545 ઇવીનું વેચાણ થયું છે અને કારના કુલ વેચાણમાં હિસ્સો અંદાજે 6.69% છે.