ફ્રાન્સમાં નિવૃત્તિની ઉંમર વધારતું બિલ હવે કાયદો બન્યું:મેક્રોન સરકાર બંને અવિશ્વાસ મત જીતી ગઈ, લોકોનું પ્રદર્શન યથાવત્
- Published By : Jago News
- Updated on : 2023-03-21 19:57:45
ફ્રાન્સની સરકાર બંને
અવિશ્વાસ મત જીતી ગઈ છે. નિવૃત્તિની ઉંમર વધારવાને લઈ ફ્રાન્સ સરકાર વિરુદ્ધ બે
અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. એની સાથે નિવૃત્તિની ઉંમર વધારતું બિલ હવે
કાયદો બની ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે કાયદાકીય રીતે નિવૃત્તિની ઉંમર 62થી વધારી 64 થઈ ગઈ છે.
ભારતીય સમય મુજબ, સોમવારે મોડી રાત્રે
ફ્રાન્સની સંસદમાં અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન થયું. એને પાસ થવા માટે 287 મતની જરૂર હતી, પરંતુ 278 મત જ મળ્યા. જો દરખાસ્ત
પાસ થઈ ગઈ હોત, તો મેક્રોન સરકાર પડી ગઈ હોત અને ફરીથી ચૂંટણી યોજાઈ હોત, નિવૃત્તિની ઉંમરને વધારતું
બિલ કાયદો બન્યા પછી પણ લોકોનું પ્રદર્શન ચાલુ છે.
નેશનલ એસેમ્બ્લીમાં
મતદાન વગર બિલ પાસ થયું હતું, એ પછી અવિશ્વાસ દરખાસ્ત
લાવવામાં આવી
16 માર્ચના રોજ ફ્રાન્સની નેશનલ એસેમ્બ્લીમાં વડાંપ્રધાન એલિઝાબેથ બોર્ને
બંધારણીય તાકાતનો ઉપયોગ કરતાં મતદાન વગર જ બિલ પાસ કરાવી દીધું હતું. વડાંપ્રધાને
આર્ટિકલ 49.3નો ઉપયોગ કર્યો હતો, જે હેઠળ બહુમત ના હોવા પર સરકાર પાસે મતદાન વગર બિલ પાસ કરાવવાનો અધિકાર હોય
છે. તેના પછી વિપક્ષના નેતા મરીન લે પેને ઈમેન્યુઅલ મેક્રોનની સરકાર વિરુદ્ધ
અવિશ્વાસની દરખાસ્ત લાવવાની વાત કરી હતી.
હવે 43 વર્ષ કામ કરવું જરૂરી
'ફ્રાન્સ 24'ના અહેવાલ મુજબ, નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિની ઉંમર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ
યોજના હેઠળ સંપૂર્ણ પેન્શન માટે જરૂરી ન્યૂનતમ સેવાકાળનો સમયગાળો પણ વધારવામાં
આવ્યો છે. વડાંપ્રધાન એલિઝાબેથ બોર્ને જણાવ્યું હતું કે નવી પેન્શન યોજનાના
પ્રસ્તાવો હેઠળ 2027થી લોકોને સંપૂર્ણ પેન્શન લેવા માટે કુલ 43 વર્ષ કામ કરવું પડશે.
અત્યારસુધી ન્યૂનતમ સેવાકાળ 42 વર્ષ હતો.
સરકાર તેને ફ્રાન્સની
શેર-આઉટ પેન્શન સિસ્ટમની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ ઉપાય તરીકે બતાવી રહી છે.
સરકારનું કહેવું છે કે કામ કરનારા અને સેવાનિવૃત્ત લોકો વચ્ચેનું પ્રમાણ ઝડપથી
ઓછું થઈ રહ્યું છે, જેને જોતાં નિવૃત્તિની ઉંમર વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મોટા ભાગના
યુરોપના દેશોએ નિવૃત્તિની ઉંમર વધારી દીધી છે. ઈટાલી અને જર્મનીમાં નિવૃત્તિની
ઉંમર 67 વર્ષ છે. સ્પેનમાં એ 65 વર્ષ છે. બ્રિટનમાં નિવૃત્તિની ઉંમર 66 વર્ષ છે.