logo

header-ad

ભારતી આશ્રમ વિવાદ:સરખેજ પોલીસને યદુનંદન ભારતીની અરજીને પગલે ઋષિ ભારતીએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી

  • Published By : Jago News
  • Updated on : 2022-05-23 18:37:25

અમદાવાદ: અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. સ્વર્ગસ્થ ભારતી બાપુના શિષ્ય યદુનંદન ભારતીજીએ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે સંદર્ભે ઋષિ ભારતીએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરી છે.

તપાસ એજન્સીને સહકાર આપવાની તૈયારી દર્શાવી
ધરપકડથી બચવા માટે ઋષિ ભારતીએ કરેલી અરજીમાં તેઓ કોઇ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત સરખેજ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરતા હોવાથી અરજીમાં રજૂઆત કરાઈ છે. ઉપરાંત જો જરૂર પડે તપાસ એજન્સીને સહકાર આપશે તેવી પણ રજૂઆત કરાઈ છે.

આગોતરા જામીન અરજી ટકવા પાત્ર ન હોવાની સરકારી વકીલની દલીલ
બીજી તરફ આ મામલે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ કે, આરોપી સામે હજુ સુધી ગુનો નથી નોંધાયો, માત્ર અરજી જ થઈ છે. જેથી અરજદારની આગોતરા જામીનની અરજી ટકવા પાત્ર નથી. સરખેજ સ્થિત ભરતી બાપુના આશ્રમના વહીવટને લઇને વિવાદ ચાલી રહ્યો છે, જે બાબતે યદુનંદન ભારતીજી સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે.

બનાવટી ડોક્યુમેન્ટ બનાવાયાનો આક્ષેપ કરાયો હતો
ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં કરોડોની આશ્રમની જમીનોને લઈ વિવાદ સપાટી પર આવ્યો હતો. કરોડોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થયા છે. તેવામાં 9 મેના રોજ હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે ૠષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ સાથે અરજી કરી હતી.

ભારતી બાપુ બ્રહ્મલીન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ
આશ્રમ પર કબ્જો કરવા માટે ૠષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો યદુનંદન ભારતી સ્વામીએ આક્ષેપ કર્યો હતો. રાજકોટના વકીલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ભારતી બાપુના બ્રહ્મલીન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે તેઓએ બે અલગ અલગ વીલ રજૂ કર્યા હતા. બંનેમાં ભારતી બાપુની અલગ અલગ સહી હોવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતભરના આશ્રમોની કુલ 1500 કરોડની સંપત્તિ પચાવી લેવા કારસો રચાયો હોવાનો આરોપ લગાવાયો હતો.

ભારતી આશ્રમનો વિવાદ હરિહરાનંદ મહારાજ ગુમ થતાં વકર્યો
રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર આવેલા આશ્રમોની જમીનને લઈ જૂનાગઢ મહંત હરિહરાનંદજી મહારાજ અને ૠષિ ભારતી મહારાજ સામસામે આવ્યા છે. અગાઉ હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હતા. અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમની અંદાજીત કિંમત 50 કરોડની હોવાનું અનુમાન છે. 10 વિઘામાં ભારતી આશ્રમ પથરાયેલો છે. જેમાં ભારતી આશ્રમનું વિલ પોતાના નામે બનાવ્યું હોવાનો ઋષિ ભારતી બાપુનો દાવો હતો. હરિહરાનંદ સ્વામીએ ભારતી આશ્રમ પોતાના નામે કર્યો હોવાનો પણ દાવો કર્યો હતો. જેના પગલે વિવાદ વકરતા ભારતી આશ્રમની જમીનને મામલે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ઋષિ ભારતી બાપુએ ખોટું વિલ ઉભું કર્યાનો હરિહરાનંદ સ્વામીએ આક્ષેપ લગાવ્યો હતો. આ કેસમાં સમાધાન માટે લંબેનારાયણની 300 કરોડની જમીન માગી હોવાનો હરિહરાનંદે દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે.

Related News