logo

header-ad

ભ્રામક જાહેરાતથી સાવધાન:બેડશીટ બનાવતી કંપનીએ કહ્યું, અમારી પ્રોડક્ટ હવા શુદ્ધ કરે છે, એડવર્ટાઇઝિંગ કાઉન્સિલે પુરાવા માગતાં દાવો ખોટો પડ્યો

  • Published By : Jago News
  • Updated on : 2022-01-01 14:45:58

ટીવી, અખબાર કે તો અન્ય માધ્યમોમાં આવતી વિવિધ પ્રોડક્ટની જાહેરાતોને જોઈને લોકો ઘણીવાર એને ખરીદવા માટે દોટ મૂકતા હોય છે. જોકે આવી પ્રોડક્ટથી અંજાઈ એ વસ્તુની ખરીદી કરતા લોકો માટે એક મહત્ત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. એક બેડશીટ બનાવતી કંપનીએ પોતાની પ્રોડક્ટમાં એર પ્યોરિફાયર હોવાનો દાવો જાહેરાતમાં કર્યો હતો. જોકે આ દાવાને અમદાવાદની કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે એડવર્ટાઈઝમેન્ટ કાઉન્સિલમાં પડકારતાં કંપનીએ કરેલા દાવા સંદર્ભે પણ પુરાવા ન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રોડક્ટ વેચવા કંપનીની ભ્રામક જાહેરાત
બેડશીટ બનાવતી વેલ્સપન નામની કંપનીએ પોતાની સ્પેસીસ બેડશીટની જાહેરાતમાં એર પ્યોરિફાયર બેડશીટ, એટલે કે જે હવામાં રહેલાં હાનિકારક તત્ત્વોનું શોષણ કરીને હવા શુદ્ધ કરતી હોવાનો દાવો કર્યો હતો, જે બાબત ગ્રાહક સુરક્ષા જાગૃતિ બાબતે કામ કરતી અમદાવાદની કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC)ના ધ્યાનમાં આવતાં એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ પ્રોડક્ટની જાહેરાતની વાસ્તવિકતા અને વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવતા, આ પ્રકારની જાહેરાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી હોવાની ફરિયાદ કરી હતી. એ બાબતને એડવર્ટાઈઝિંગ કાઉન્સિલે એને ગંભીરતાથી લેતાં CERCની ફરિયાદ માન્ય રાખી હતી.

CERCની એડવર્ટાઇઝિંગ કાઉન્સિલમાં ફરિયાદ
આ બાબતે અમદાવાદ-CERCનાં એડવોકેટ ઓફિસર અનુસૂયા ઐયરે જણાવ્યું હતું કે તેમની ફરિયાદના આધારે એડવર્ટાઈઝમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જાહેરાતમાં કરવામાં આવેલા દાવા અંગે તપાસ કરી હતી, જેમાં આ કંપની પાસેથી બેડશીટ થકી હવા શુદ્ધ થતી હોવાના પુરાવા માગવામાં આવ્યા હતા. જોકે કંપનીએ રજૂ કરેલા પુરાવામાં કોઈપણ એવી કોઈ સાબિતી કે ટેસ્ટિંગના સેમ્પલમાં એવા કોઈ પરિણામ મળ્યાં ન હતાં, જેથી આ બેડશીટ હવા શુદ્ધ કરતી હોય એ સાબિત થાય. એડવર્ટાઈઝમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કંપનીને આ જાહેરાત પરત લેવા અથવા તો વાંધાજનક કિસ્સો કાઢી નાખવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી એમ નથી થયું, જેને લઈને ફરીથી CERCએ કાઉન્સિલમાં ફરિયાદ કરી છે.

પ્રોડક્ટની ખરાઈ કર્યા બાદ જ ખરીદવા સૂચન
વર્તમાન સમયમાં વિવિધ મલ્ટીનેશનલ કંપની પોતાની પ્રોડક્ટને લોકો સુધી લઈ જવા માટે અવનવી તરકીબો અપનાવી જાહેરાત થકી અલગ-અલગ પ્રકારના દાવા કરતી હોય છે. એવામાં CERC દ્વારા પણ લોકોને આ પ્રકારની જાહેરાતોમાં ભ્રમમાં ન આવી, એની હકીકતની ખરાઈ કર્યા બાદ જ એના પર વિશ્વાસ કરવા માટે સલાહ આપવામાં આવી છે, સાથે સાથે જો ગેરમાર્ગે દોરનારી જાહેરાત અથવા તો ગ્રાહક સાથે છેતરપિંડીના કિસ્સા બને તો CERCના મેલ એડ્રેસ(Grahaksathi@cercindia.org) પર ફરિયાદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Related News