logo

header-ad

ઓસ્ટ્રેલિયા બાળકો માટે કાયદો લાવનોરો પહેલો દેશ બન્યો, બાળકો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક નહીં વાપરી શકે

  • Published By : Jago News
  • Updated on : 2024-11-29 12:29:36

કેનબેરા: ઑસ્ટ્રેલિયાની સેનેટે ગુરુવારે નાનાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ લાદતો ખરડો પસાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. આ કાયદો નવેમ્બર, 2025થી અમલી બને તેવી શક્યતા છે. આ કાયદા પ્રમાણે ફેસબુક, સ્નેપચેટ, એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 16 વર્ષથી ઓછી વયનાં બાળકોને એકાઉન્ટ રાખવા સામે પ્રતિબંધ મૂકવો પડશે. જો બાળકોનાં એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં નિષ્ફળ જશે તો પ્લેટફોર્મે લગભગ 278 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.


સીનેટે પક્ષમાં 34 અને વિપક્ષમાં 19 મત સાથે ખરડો પસાર કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દંડ લાગુ કરતાં પહેલાં પ્રતિબંધ લાગુ કરવાની પ્રક્રિયા પર કામ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એંથની અલ્બાનીઝે કહ્યું હતું કે સોશિયલ મીડિયા આપણાં બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને હું આ મુદ્દે આહ્નાન કરું છું. નાની વયના વપરાશકારોને માતાપિતાની સંમતિ હશે તોપણ તેમને છૂટ નહીં મળે.


જોકે આ વિધેયક સામે વિરોધનો સૂર પણ જોવા મળ્યો છે. ગ્રીન્સ પાર્ટીના સભ્ય સેન ડૅવિડ શૂબ્રિઝે કહ્યું કે ‘માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે સમર્થન મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા બાળકો માટે આ પ્રતિબંધ જોખમી નીવડી શકે છે. આ કાયદો ખાસ કરીને ગ્રામવિસ્તારો અને એલજીબીટીક્યુ સમાજનાં બાળકોને સૌથી વધુ નુકસાન પહોંચાડશે.’

Related News