વિપક્ષી નેતાઓના ફોન હેકિંગ મામલે Appleએ કરી સ્પષ્ટતા, કહ્યું ‘એલર્ટનું કારણ જણાવવું શક્ય નથી’
- Published By : Jago News
- Updated on : 2023-10-31 17:18:35
નવી દિલ્હી: દેશભરના ઘણા દિગ્ગજ નેતાઓના આઈફોન પર આજે એલર્ટ મેસેજ (Hacking Alert MSG) આવ્યા બાદ એપ્પલ (Apple) કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે, અમે કોઈપણ પ્રકારના સ્ટેટ સ્પાંસર્ડ એટેકની સૂચના આપતા નથી. કંપનીએ એપ્પલની કેટલીક ખતરાની સૂચનાઓ (એલાર્મ એલર્ટ) ખોટી હોવાની સંભાવના વ્યક્ત કરી છે. કંપનીએ વધુમાં કહ્યું કે, આવા રાજ્ય-પ્રાયોજિત હુમલાખોરોને સારી રીતે નાણાં પૂરા પડાય છે. તેઓ સમયાંતરે આવા હુમલાઓ કરતા રહે છે. આવા હુમલાની માહિતી મેળવવી ગુપ્તચર સંકેતો પર નિર્ભર કરે છે. કંપનીએ કહ્યું કે, આજે મળેલા એલર્ટનું કારણ જાણવા કંપની અસમર્થ છે.
એલર્ટ મેસેજ મામલે રાહલે PM-અદાણી પર કર્યા પ્રહાર
જે વિપક્ષી નેતાઓના ફોન પર એલર્ટ મેસેજ આવ્યો, તેમાં મહુઆ મોઈત્રા, શશિ થરૂર, પ્રિયંકા ચતુર્વેદી, અખિલેશ યાદવ, સુપ્રિયા શિંદે જેવા નેતાઓ સામેલ છે. મેસેજ બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પ્રેસ કોન્ફરન્સ કરી પીએમ મોદી (PM Modi) અને અદાણી (Gautam Adani) પર ફરી પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, એપ્પલનું નોટિફિકેશન આવ્યું છે કે, તમે સરકારના નિશાના પર છો.
આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે સરકાર : અશ્વિની વૈષ્ણવ
એપ્પલ કંપનીનું નિવેદન સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Aswini Vaishnav) પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, સરકાર આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં કેટલાક લોકોને ફરિયાદ કરવાની આદત પડી ગઈ છે.
એપ્પલના નિવેદન પર કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે, રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું છે, એપ્પલે તે વાતની પુષ્ટી કરી છે. બીજીતરફ ભાજપ આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવીયાએ પણ એપ્પલના નિવેદન બાદ પ્રતિક્રિયા આપી છે.
અમિત માલવીયાએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ પોતાની જ મજાક ઉડાવ્યાની થોડી જ મિનિટોમાં એપ્પલે એક નિવેદન જારી કર્યું... રાહુલ ગાંધીએ અગાઉ પણ પોતાનો ફોન તપાસ માટે જમા કરાવ્યો ન હતો. તેઓ વ્યર્થ આરોપો લગાવી રાષ્ટ્રીય સમય કેમ બરબાર કરી રહ્યા છે ?’
માત્ર ભારતમાં જ નહીં 150 દેશોમાં આવ્યો એલર્ટ મેસેજ
માલવીયાએ વધુમાં કહ્યું કે, એપ્પલે આવું નોટિફિકેશન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ 150 દેશોમાં મોકલ્યું છે. કંપની આ તમામ એલર્ટ મેસેજનું કારણ બતાવી શકી નથી. આવી સ્થિતિમાં આ મામલે સરકારનો હાથ હોવાનો વિપક્ષનો આરોપ સંપૂર્ણ વાહિયાત છે.