logo

header-ad

અનુરાગ ઠાકુરે કહ્યું- સંસદમાં રાહુલની હાજરી એવરેજ કરતા પણ ઓછી:અને વિદેશ જઈને કહે છે કે સંસદમાં બોલવા દેવામાં આવતા નથી, માફી માંગો

  • Published By : Jago News
  • Updated on : 2023-03-14 19:17:54

નવી દિલ્હી: મંગળવારે, સતત બીજા દિવસે, વિપક્ષે અદાણી-હિંડનબર્ગ મામલે JPC તપાસની માંગને લઈને સંસદના બંને ગૃહોમાં હોબાળો કર્યો હતો. ત્યારબાદ લોકસભા અને રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલા સોમવારે પણ આ જ મુદ્દે ગૃહમાં હોબાળો જોવા મળ્યો હતો.

આ તરફ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ઠાકુરે કહ્યું- લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની હાજરી એવરેજ કરતા પણ ઓછી છે, અને તેઓ વિદેશ જઈને કહે છે કે અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. આ દેશનું અપમાન છે. ઠાકુરે વધુમાં કહ્યું હતું કે તેમણે સંસદમાં આવીને માફી માંગવી જોઈએ.

મીડિયા સાથે વાત કરતા ઠાકુરે કહ્યું, 'આજે ભારત વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે અને G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બધી બાબતો ભારતની પ્રગતિને દર્શાવે છે પરંતુ બીજી તરફ રાહુલ ગાંધી ભારતનું અપમાન કરવાની કોઈ તક છોડતા નથી.

અધીર રંજને કહ્યું- રાહુલ નહીં, સરકાર માફી માંગે
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે કહ્યું કે સરકાર સંસદ ચલાવવા માંગતી નથી. શું ક્યારેય એવું જોવામાં આવ્યું છે કે સંસદને રોકવા માટે પાર્ટીના તમામ સભ્યોએ હોબાળો મચાવ્યો હોય? રાહુલ ગાંધીએ શા માટે માફી માંગવી જોઈએ? તેના બદલે, તેઓએ (કેન્દ્ર સરકારે) માફી માંગવી જોઈએ.

શશિ થરૂરે કહ્યું- વિદેશમાં આવા નિવેદનોની શરૂઆત ભાજપે કરી છે
આ સાથે જ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ રાહુલનો બચાવ કર્યો હતો. થરૂરે કહ્યું- રાહુલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એવું કંઈ નથી કહ્યું જેના માટે માફી માંગવાની જરૂર હોય. તેમણે કેન્દ્ર સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ કરતાં વિદેશમાં વધુ નિવેદનો તો વડાપ્રધાને આપ્યા છે. વિદેશમાં આવી ચર્ચાઓની શરુઆત કોંગ્રેસે નહીં પણ ભાજપે કરી છે.

 

 

Related News