logo

header-ad

ગુજસેલનું વધુ એક કૌભાંડ:સરકારી હૅલિકોપ્ટર હોવા છતાં કલાકના 4.80 લાખના ભાડે બીજું લીધું, 2 કરોડ ચૂકવી પણ દીધા

  • Published By : Jago News
  • Updated on : 2024-07-01 12:27:15

નવી દિલ્લી: ગુજસેલના પૂર્વ સીઈઓ કૅપ્ટન અજય ચૌહાણનાં કૌભાંડો બાદ સરકારે નવા સીઈઓ તરીકે પારૂલ મનસતાને ચાર્જ સોંપ્યો હતો. હવે સરકારે મનસતાને શુક્રવારે રાતોરાત હટાવી દીધાં છે. બદલી અટકાવવા તેઓ મુખ્યમંત્રી કચેરીમાં ભલામણ માટે પહોંચી ગયાં હતાં ત્યારે બીજા દિવસે શનિવારે સરકારે ટુરિઝમ અને સિવિલ એવિએશનના અગ્રસચિવ હારિત શુક્લાની પણ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે બદલી કરી નાખી હતી. આ સમાચારોથી સચિવાલયમાં સોપો પડી ગયો છે. ગુજસેલના નવા સીઈઓના ચાર્જ તરીકે અમદાવાદના ડૅપ્યુટી કલેક્ટર (પ્રોટોકોલ) વિજય અંતિયાની નિમણૂક કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ચૂંટણી બાદ સરકારી હૅલિકોપ્ટર હોવા છતાં પણ ઊંચા ભાવે બીજું હૅલિકોપ્ટર ભાડે કરી સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો જેના કારણે ગુજસેલનું સીઈઓ પદ પારૂલ મનસતા પાસેથી છીનવી લેવાયું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે સીએમ અને રાજ્યપાલને અનેક વખત સરકારી હૅલિકોપ્ટર અને વિમાન ન મળવાની ઘટનાઓ બહાર આવી હતી. જો વિમાન કે હૅલિકોપ્ટર હોય તો કૅપ્ટન ન હોય તેવી ગંભીર બેદરકારીના કારણે સરકારે બદલી કરી હોવાનું ચર્ચાય છે. હજુ પણ ગુજસેલમાં કેટલાક નિવૃત્ત અધિકારીઓ છે તેમની પર પણ લટકતી તલવાર હોવાનું ચર્ચાય છે.

2 IASની બદલી બાદ પણ ગુજસેલ વિવાદમાં

કૅપ્ટન અજય ચૌહાણને હટાવ્યા બાદ ડિરેક્ટરનો ચાર્જ આઇએએસ નીતિન સાંગવાનને સોંપાતાં વિવાદ થયો હતો અને તેમને હટાવાયા બાદ અજય પ્રકાશને વધારાનો ચાર્જ સોંપાયો હતો તેમને પણ દૂર કરાયા બાદ હાલમાં ગુજસેલનો ચાર્જ ડૉ. ધવલ પટેલ પાસે છે.

આખી ઘટના શું હતી?

સૂત્રોએ જણાવ્યુ કે ચૂંટણી બાદ સરકારી હૅલિકોપ્ટર મેઇન્ટેન્સ થઈ ગયા બાદ ઉડાન માટે તૈયાર હતું, તેમ છતાં ગુજસેલના સીઈઓ પારૂલ મનસતાએ હૅલિકોપ્ટર મહિના માટે પ્રતિ કલાકના 4.80 લાખ પેટે ભાડે લીધું હતું, જેનો ઓછો ઉપયોગ થયો હતો તેમ છતાં ખાનગી કંપનીને રૂ. 1.50થી 2 કરોડ ચૂકવી દેતાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું.

 

Related News