logo

header-ad

ઓસ્ટ્રેલિયામાં ફરી મંદિર પર હુમલો:મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ કરી તોડફોડ; છેલ્લા 15 દિવસમાં મંદિર પર હુમલાની ત્રીજી ઘટના

  • Published By : Jago News
  • Updated on : 2023-01-23 19:53:11

ઓસ્ટ્રેલિયાથી મોટા સમાચાર મળી રહ્યા છે. અહીં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાની સમર્થકોએ મેલબોર્નના અલબર્ટ પાર્ક ખાતે આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. મેલબોર્નમાં છેલ્લા 15 દિવસમાં મંદિર પર હુમલા કર્યાની ત્રીજી ઘટના સામે આવી છે. ઇસ્કોન મંદિર, જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન એક ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને દીવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા પણ લખવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે
ઇસ્કોન મંદિરના ભક્તદાસે જણાવ્યું હતું કે 'મંદિરમાં તોડફોડ કરવાની આ ઘટનાથી અમે પરેશાન અને આક્રોશમાં છીએ.' જ્યારે ઇસ્કોન મંદિરના એક આઈટી સલાહકાર અને ભક્ત શિવેશ પાંડેએ કહ્યું, "છેલ્લાં બે અઠવાડિયાંમાં વિક્ટોરિયા પોલીસ હિન્દુ મંદિર પર હુમલો કરનારાઓ સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, જેઓ શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય વિરુદ્ધ તેમનો નફરતથી ભરેલો એજન્ડા ચલાવી રહ્યા છે. આ પહેલાં પણ ખાલિસ્તાન સમર્થકોએ 12 જાન્યુઆરીએ મંદિર પર હુમલો કર્યો હતો. બરાબર 5 દિવસ પછી અન્ય એક મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.

17 જાન્યુઆરીએ શિવ મંદિર પર હુમલો કર્યો હતો
આ પહેલાં ખાલિસ્તાની સમર્થકોએ 17 જાન્યુઆરીએ વિક્ટોરિયાના કારુમ ડોન્સમાં આવેલ એક શિવ-વિષ્ણુ મંદિરમાં પણ હુમલો કર્યો હતો. મંદિરમાં તોડફોડની આ ઘટના ત્યારે સામે આવી હતી, જ્યારે તમિળ હિન્દુ સમુદાયનો ત્રણ દિવસીય લાંબો તહેવાર થાઈ પોંગલ પર દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા હતા. શિવ-વિષ્ણુ મંદિરમાં વર્ષોથી પૂજા કરી રહેલા ઉષા સેંથિલનાથને જણાવ્યું હતું કે અમે ઓસ્ટ્રેલિયામાં તમિળ લઘુમતી સમુદાયના છે. આ અમારું પૂજા કરવાનું સ્થળ છે અને એ મને ક્યારેય સ્વીકાર્ય નથી કે ખાલિસ્તાની સમર્થક કોઈ જાતના ડર વિના પોતાના નફરતભર્યા સંદેશાઓ લખીને મંદિરની તોડફોડ કરે.

 

Related News