logo

header-ad

IPLની 2 નવી ટીમની જાહેરાત, 11 વર્ષ પછી 2022માં રમશે 10 ટીમ, જાણો તેનાથી કેટલું બદલાશે IPL?

  • Published By : Jago News
  • Updated on : 2021-10-26 10:45:54

IPLની બે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ અને લખનઉ બે નવી ફ્રેન્ચાઈઝી તરીકે આગામી સીઝનમાં સામેલ થશે. આ સાથે જ 2022ના IPLમાં કુલ 10 ટીમ એકબીજા સામે ટકરાતી જોવા મળશે. આવું પહેલી વાર નથી કે IPLમાં 10 ટીમ હશે. આ પહેલાં 2011માં થયેલા IPLના ત્રીજી સીઝનમાં પણ 10 ટીમ હતી. તે સમયે કોચ્ચિ ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઈઝી IPLનો ભાગ હતી.

નવી ટીમના માલિક કોણ છે? નવી ટીમ માટે કેટલી બોલી લાગી? નવી ટીમ આવવાથી IPL પર શું અસર પડશે? ખેલાડીઓને શું ફાયદો થશે? IPLના ફોર્મેટમાં શું બદલાવ આવશે? આવો જાણીએ...

કોણ જીત્યું બિડ?
નવી ટીમ મેળવવા માટે 6 શહેર રેસમાં હતા. સૌથી વધુ મજબૂત દાવેદાર અમદાવાદ અને લખનઉ હતા. આ બંને શહેરોને ટીમ મળી છે. અમદાવાદને તક મળવાનું સૌથી મોટું કારણ છે, આ વર્ષે જ ત્યાં બનેલું દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો બેસી શકે છે.

અમદાવાદ લાંબા સમયથી નવી ટીમ માટેની રેસમાં હતું. 2010માં જ્યારે 10 ટીમની IPL થઈ હતી ત્યારે પણ અમદાવાદ રેસમાં હતું. તેના માટે બોલી પણ લગાવવામાં આવી હતી પરંતુ બાજી પુણે અને કોચ્ચિ ફ્રેન્ચાઈઝીએ જીતી હતી.

લખનઉને પસંદ કરવા પાછળનું કારણ છે કે BCCI સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં IPLને લઈ જવા માગે છે. આ બંને શહેરો ઉપરાંત કટક, ગૌહાટી, ઈન્દોર અને ધર્મશાળા શહેરોના નામ પણ ચર્ચામાં હતા.

બે ટીમને ખરીદવા માટે કુલ 22 બિઝનેસ ગ્રુપે રસ દાખવ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ, ઈંગ્લિશ ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક ગ્લેઝર પરિવાર, ટોરેન્ટ ફાર્મા, ઓરબિંદો ફાર્મા, આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ, હિંદુસ્તાન ટાઈમ્સ મીડિયા ગ્રુપ, પૂર્વ સાંસદ નવીન જિંદાલની જિંદાલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા અને ત્રણ પ્રાઈવેટ ઈક્વિટી સાથે જોડાયેલા લોકો સામેલ હતા.

આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે અને પાંચ વર્ષ પછી ફરી લીગમાં સામેલ થયા છે. આ પહેલાં ગોયન્કા ગ્રુપની પાસે બે વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાઈન્ટ્સની ટીમ હતી. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

શું BCCIએ ધાર્યું હતું તે મુજબ બોલી થઈ?
BCCI
ની નવી ટીમ માટે 2000 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ નક્કી કરાી હતી. આ ઓક્શનમાં તેઓને 7થી 10 હજાર કરોડ રૂપિયાની કમાણી થશે તેવી આશા હતી. ઓક્શનમાં બંને ટીમ માટે કુલ 12,256 કરોડની બોલી લાગી એટલે કે ઓક્શનથી BCCIને આશા હતી તેનાથી વધુ કમાણી થઈ.

ટીમ વધશે તેનો ફાયદો કોને મળશે?
દર્શકોની દ્રષ્ટીએ જોવામાં આવે તો તમને વધુ મેચ જોવા મળશે. બે ટીમ વધવાથી IPLમાં મેચની સંખ્યા 60થી વધીને 74 થઈ જશે. ખેલાડીઓની દ્રષ્ટીએ વાત કરીએ તો બે ટીમ વધવાથી ઓછામાં ઓછા 45થી 50 નવા ખેલાડીઓને IPLમાં રમવાની તક મળશે. તેમાંથી 30થી 35 યંગ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હશે.

બ્રોડકાસ્ટરની રીતે જોઈએ તો વધુ મેચ હોવાને કારણે તેઓને કમાણી વધુ થશે. આ કારણે જ BCCI આવનારા 5 વર્ષ માટે IPLના બોડકાસ્ટ રાઈટ્સ માટે રેકોર્ડ ડીલ થશે તેવી આશા સેવી રહ્યું છે. એક્સપર્ટ્સ મુજબ 2023થી 2027 સુધી 5 વર્ષ માટે ભારતીય બોર્ડને આ લીગના બ્રોડકાસ્ટ રાઈટ્સ તરીકે 35થી 40 હજાર કરોડ રૂપિયા સુધી મળી શકે છે. BCCI2018થી 2022 માટેના રાઈટ્સ 16,347.50 કરોડ રૂપિયામાં સ્ટાર ઈન્ડિયાને વેચ્યા હતા.

IPLમાં ક્યારે ક્યારે ટીમમાં વધ-ઘટ થઈ?
2011
માં પહેલી વખત IPLમાં બે નવી ટીમ જોડાઈ હતી. જ્યારે કોચ્ચિ ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ IPLનો ભાગ બન્યો હતો. બીજા જ વર્ષે આ ટૂર્નામેન્ટમાં ટીમની સંખ્યા 10થી ઘટીને 9 થઈ ગઈ હતી. જ્યારે કોચ્ચિ ટીમ IPLમાંથી અલગ થઈ ગઈ. 2012 અને 2013ના IPLમાં 9 ટીમોએ ભાગ લીધો હતો. જે બાદ 2014માં પુણે વોરિયર્સ પણ IPLમાંથી હટી ગયું અને આ ટૂર્નામેન્ટ ફરી 8 ટીમની થઈ ગઈ.

IPL 2016માં જ્યારે મેચ ફ્કિસિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ લાગ્યો તો છેલ્લી વખત IPLમાં નવી ટીમ સામેલ કરાઈ હતી. બેન પછી બે ફ્રેન્ચાઈઝીની જગ્યાએ રાઈઝિંગ પુણે સુપરજાઈન્ટ્સ અને ગુજરાત લાયન્સને બે સીઝન માટે સામેલ કરવામાં આવી. જેવું જ ચેન્નાઈ અને રાજસ્થાન પરથી પ્રતિબંધ હટ્યો તો IPLમાં સામેલ પુણે અને ગુજરાતને ટૂર્નામેન્ટમાંથી અલગ કરી દીધા.

નવી ટીમ આવવાથી IPLના ફોર્મેટમાં શું અસર પડી શકે છે?
IPL
ની ટૂર્નામેન્ટ 10 ટીમની હશે તેવું પહેલી વખત નહીં બને. 2011માં જે મોડલ પર આ ટૂર્નામેન્ટ રમાઈ હતી તેવી જ રીતે 2022માં રમાશે. લીગ દરમિયાન દરેક ટીમ 7 વિરોધી ટીમ સામે 14 મેચ રમશે.

દરેક ટીમ પોતાના ગ્રુપની 4 અન્ટ ટીમ સામે બે-બે મેચ રમશે. એક મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર અને એક વિરોધી ટીમના મેદાન પર એટલે કે, પોતાના ગ્રુપમાં કુલ 8 મેચ રમવાના રહેશે. આ ઉપરાંત બીજા ગ્રુપની 4 ટીમ વિરૂદ્ધ પણ એક-એક મેચ રમવા પડશે.

બાકી વધેલી એક ટીમ સામે બે મેચ રમવાના રહેશે. આ રીતે એક ટીમ કુલ 14 મેચ રમશે. તેના માટે એક ડ્રો કાઢવામાં આવશે જેનાથી નક્કી થશે કે કઈ ટીમ કોની વિરૂદ્ધ એક વખત અને કોની સામે બે વખત રમશે. આ રીતે લીગ સ્ટેજમાં કુલ 70 મેચ રમાશે. નોકઆઉટ સ્ટેજ હાલના ફોર્મેટ જેવું જ હશે. જેના માટે એલિમિનેટર, ક્વોલિફાયર અને ફાઈનલની એમ મળીને કુલ ચાર મેચ થશે, ટૂર્નામેન્ટમાં કુલ 74 મેચ રમાશે.

 

Related News