logo

header-ad

અંબાજીનો હોટેલ માલિક વિનય યુવતી સાથે ગબ્બર સનસેટ પોઇન્ટ બેઠો હતો, 4 શખ્સે યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કરતાં ઝપાઝપીમાં ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી

  • Published By : Jago News
  • Updated on : 2021-10-13 10:20:49

અંબાજીમાં ગબ્બર પર્વત પાછળના વિસ્તારમાં સપ્તાહ અગાઉ હોટલ માલિકની નિર્મમ હત્યા થઇ હતી. બનાસકાંઠા પોલીસે આ ભેદ ઉકેલી એક હત્યારાને દબોચી લીધો હતો. હોટલ માલિક એક યુવતી સાથે સનસેટ પોઇન્ટે ગયા હતા. ત્યારે ચાર શખ્સોએ યુવતી ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમની ચૂંગાલમાંથી બચાવવા જતાં દુષ્કર્મીઓએ ચપ્પાના આઠ ઘા ઝીંકી હોટલ માલિકની હત્યા કરી હતી. એ. એસ. પી. સુશિલ અગ્રવાલે જણાવ્યું કે, દાંતા તાલુકાના હડાદ ગામના વતની વિનય રાવલ અંબાજીમાં હોટલના વ્યવસાયમાં જોડાયેલો હતો. થોડાક સમયથી માઉન્ટ આબુ ખાતે હતો.

જે સપ્તાહ અગાઉ સોમવારની સાંજે એક યુવતી સાથે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં સનસેટ પોઇન્ટે ગયો હતો. જે દરમિયાન તેલિયા નદીના પુલ પાસેના માર્ગ નજીકના જંગલમાં આવેલા ચાર શખ્સોએ બંને જણાને એકલા જોઇ યુવતી ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી વિનય રાવલ આ દુષ્કર્મીઓની ચૂંગાલમાંથી યુવતીને બચાવવા ગયો હતો. ત્યારે તેમણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી વિનય ની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

ઝડપાયેલો હત્યારો
પ્રવિણભાઇ કાંતિભાઇ ગમાર (રહે. બેડા ખેરફળી તા. દાંતા)

આમનું નામ ખુલ્યું
સુરતાભાઇ મુંગીયાભાઇ પરમાર (રહે. છાપરી તા. દાંતા) તેમજ બીજા બે અજાણ્યા શખ્સો

સ્થાનિક આદિવાસી લોકોની મદદથી ઘરે ઘરે ફરીને પોલીસે આરોપીને શોધ્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ, એલસીબી પીઆઇ એચ. પી. પરમાર, એસઓજી પીઆઇ ડી. આર. ગઢવી, પેરોલ ફર્લો પીએસઆઇ કે. કે. પાટડીયા, અંબાજી પીઆઇ જે. બી. આચાર્યએ ડોગ સ્કવોર્ડ, એફ. એસ. એલ સહિતની ટીમે હ્યુમન ઇન્ટેલીજન્સનો સ્ત્રોત તેમજ સ્થાનિક આદિવાસી લોકોની મદદથી ડુંગરાઓમાં આવેલા ગામડાઓમાં ઘરે ઘરે ફરીને હત્યારાને ઝડપી લીધો હતો.

બનાસકાંઠા ડોગ સ્કવોર્ડના ડોગ હેન્ડલર વિક્રમ રાવલે જણાવ્યું કે, સુરેશભાઇ ઇશ્વરભાઇ સોલંકીની સાથે બનાવની રાત્રે ડોગ ટોમને લઇને ઘટના સ્થળે પહોચ્યા હતા. પરંતુ અંધારાને કારણે તપાસ થઇ ન હતી. બીજા દિવસે વહેલી સવારે ડોગ ટોમને વિનય રાવલનું માથુ જે પથ્થર સાથે અથડાવવામાં આવ્યુ હતુ. ​​​​​​​તેની સ્મેલ આપવામાં આવતાં ડોગ વીરમપુર તરફના રસ્તે જઇ પરત આવ્યો હતો. આથી હત્યારા આ દિશામાં જ ગયા હોવાનું નક્કી થયું હતુ. જે બાદ ટોમએ ઘટના સ્થળ નજીકથી હત્યારાનું એક ચપ્પલ શોધી કાઢ્યું હતુ. અને 300 મીટર દૂર બેડા ગામ તરફ જતાં માર્ગે કાદવમાંથી બીજુ ચપ્પલ પણ શોધી કાઢતાં હત્યારા બેડા ગામ તરફ ગયા હોવાની કડી મળી ગઇ હતી. જે પછી પોલીસની ટીમે અન્ય સ્ત્રોત દ્વારા આરોપીને ઝડપી લીધો હતો.

Related News