વડનગર, સિદ્ધપુર, SOUમાં બનશે એરપોર્ટ:કેવડિયાથી માત્ર 12 કિમી દૂર એરપોર્ટ બનાવવા કવાયત, ત્રણેય સ્થળે પ્રિફિઝિબિલિટી સ્ટડીની કામગીરી શરૂ, પ્રવાસનને વેગ મળશે
- Published By : Jago News
- Updated on : 2024-02-07 16:18:02
વર્ષ 2018ની 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટની પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જો કે આ વાતને 6 વર્ષ પસાર થઈ ગયા છે, ત્યારે આજે વિધાનસભા ગૃહમાં આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, કેવડિયાથી 12 કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે. તિલકવાડાના ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ બનવાની શક્યતા છે. આ ઉપરાંત સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. હાલમાં નર્મદા જિલ્લાના તિલકવાડા, સિદ્ધપુર અને વડનગરમાં પ્રિફિઝિબિલિટીની કામગીરી પ્રગતિ હેઠળ છે. મહત્વપૂર્ણ છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશ-વિદેશના પ્રવાસીઓની પસંદ બની રહ્યું છે તો સિદ્ધપુર અને વડનગરમાં પણ વિકાસ કાર્યોને કારણે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે એરપોર્ટની કનેક્ટિવિટી વધતા આ ત્રણેય સ્થળોએ પ્રવાસનને વેગ મળશે.
2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ આવ્યા
વર્ષ 2023માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે રેકોર્ડબ્રેક પ્રવાસીઓ આવ્યા હતા. છેલ્લાં 5 વર્ષમાં દેશ-વિદેશથી પોણાબે કરોડ લોકોએ મુલાકાત લીધી હતી, ત્યારે ગત વર્ષે પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર થતાં એક નવો જ રેકોર્ડ સ્થાપિત થયો હતો. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચ્યો હતો. 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીએ મુલાકાત લીધી હતી.
SOUમાં નવી નવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે
અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લોકોએ પોતાના પરિવાર-મિત્રો સાથે અહીં આવીને સુંદર જગ્યાની મજા માણી છે, આ વર્ષે નવાં આકર્ષણો મૂકવામાં આવ્યાં છે. યાત્રીઓની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં ટ્રાન્સપોર્ટ છે અને ગ્રીન હરી સતત વધારી રહ્યા છીએ તેમજ નવી નવી વસ્તુઓ લઈને આવી રહ્યા છે. આનો લાભ લેવા માટે વિશ્વભરમાં પ્રવાસીઓ આવતા હોય છે, જેમાં હજી વધારો થઈ રહ્યો છે તેમજ આગળ પણ વધતો રહેશે. જ્યારે યાત્રીઓ અહીં આવતા હોય છે ત્યારે તેમના માટે ટ્રાન્સપોર્ટેશન સૌથી મહત્ત્વની વાત છે. એ ધ્યાનમાં રાખીને વડાપ્રધાને EV ઝોન તરીકે ડ્રીમ એરિયા તરીકે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિકાસવા માટે આદેશ કર્યો છે. 30 ઈલેક્ટ્રિક બસ વડાપ્રધાન દ્વારા ચાલુ કરવામાં આવી હતી.
પ્રવાસી વધવાનાં મુખ્ય કારણો શું હોઈ શકે?
23 ડિસેમ્બર 2023થી અત્યારસુધી 4 લાખ કરતાં વધારે પ્રવાસીઓ નોંધાયા છે. પ્રવાસી વધવાનાં મુખ્ય કારણો પણ કેટલાંક સામે આવ્યાં છે. પ્રત્યેક વયજૂથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો છે. ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો થયો છે. રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો થયેલો છે, સાથોસાથ રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ ઉપલબ્ધ થયેલી છે. સ્વચ્છ અને સુઘડ કેમ્પસ છે અને સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ થઈ રહ્યો છે.
5 વર્ષમાં 1,75,26,688 પ્રવાસી નોંધાયા
વર્ષ | પ્રવાસીઓનો આંકડો |
2018 | 4,53,020 |
2019 | 27,45,474 |
2020 | 12,81,582 |
2021 | 34,32,034 |
2022 | 45,84,789 |
2023 | 50,29,147* |