જોઈતા પટેલ બાદ આદિવાસી બેલ્ટમાં પણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાની શક્યતા
- Published By : Jago News
- Updated on : 2024-02-28 19:01:33
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. કોંગ્રેસની નેતા રાહુલ ગાધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ કોંગ્રેસમાંથી એક પછી એક નેતા રાજીનામાં આપી રહ્યા છે. હજુ ગઈકાલે પૂર્વ રેલમંત્રી અને તેમના પુત્ર સમર્થકો સાથે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, આ પછી આજે ધાનેરાથી ધારાસભ્ય રહી ચૂકેલાં જોઈતા પટેલે પણ રાજીનામું (Joita Patel Resignation) આપવાની જાહેરાત કરી હતી ત્યારે હવે દાંતાના વર્તમાન ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે તેવા સમાચાર વહેતા થયા છે.
કોંગ્રેસને આદિવાસી બેલ્ટમાં વધુ એક ઝટકો લાગી શકે
ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને કોંગ્રેસના એક પછી એક નેતા રાજીનામાં આપીને પક્ષને રામ રામ કરી રહ્યા છે ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડી (kanti khardi) પણ રાજીનામું આપી શકે તેવી ચર્ચા થઈ રહી છે. જો આમ થશે તો કોંગ્રેસને આદિવાસી બેલ્ટમાં વધુ એક ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે થોડીવાર પહેલા જ ધાનેરાથી ધારાસભ્ય રહી ચૂકેલાં જોઈતા પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. એક પછી એક સભ્યો અને દિગ્ગજ નેતાઓ દ્વારા પાર્ટી છોડવામાં આવતા કોંગ્રેસની મુશ્કેલી સતત વધી રહી છે.